પાટીલ સામેની ‘કોલ્ડવોરે’ રૂપાણીની ‘હોટસીટ’ છીનવી!

Thursday 16th September 2021 05:28 EDT
 
 

ગાંધીનગરઃ સી. આર. પાટીલ પ્રદેશ પ્રમુખ થયા એ દિવસથી એમની અને વિજય રૂપાણી વચ્ચે ઠંડુ યુદ્ધ શરૂ થઈ ગયેલું. પક્ષમાં પાટીલનો જ સિક્કો પડતો હતો. તેનું ઉદાહરણ એ કે પ્રદેશ મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા સાથે પાટીલને નહોતું બનતું તો પાટીલ તેમને બિહાર રવાના કરાવી શક્યા.

પાટીલ એવું ઈચ્છતા હતા કે રૂપાણી પણ સંપૂર્ણ કહ્યાગરા રહે. આ માટે મંત્રીઓને ‘કમલમ્’માં અઠવાડિયામાં એક વાર બેસવાની સૂચના પણ અપાઈ હતી. આ રૂપાણીના કાર્યક્ષેત્રમાં પાટીલનું સ્પષ્ટ ભેલાણ હતું. આ ઠંડુ યુદ્ધ ધીમે ધીમે વિસ્તરતું ગયું અને તેને પરિણામે રૂપાણીને વહેલા-મોડા જવું તો પડશે જ એ નિશ્ચિત થઈ ગયેલું. છેલ્લે છેલ્લે તો એવું બન્યું હોવાનું કહેવાય છે કે રૂપાણીએ મોદી મળવા માટે ત્રણ વાર સમય માંગેલો પણ પીએમ હાઉસમાંથી કોઈ જવાબ અપાયો ન હતો. વિજય રૂપાણીને દુબઇ જવાની મંજૂરી પણ પીએમ ઓફિસમાંથી આપવામાં આવી ન હતી.
એમ કહેવાય છે કે તા. ૧૦મીએ રાજીનામું આપ્યું એ પહેલાં લગભગ એકાદ માસથી વિજય રૂપાણીએ લોકોને વ્યક્તિગત રીતે મુલાકાત આપવાનું ઓછું કરી નાંખેલું અને કેટલાંક કાર્યક્રમ સ્વીકારવાનું પણ બંધ કરી દીધું હતું. તેનું કારણ એ હતું કે હાઈ કમાન્ડ તરફથી ગમેત્યારે ગાદી પરથી ઉતરી જવાની સૂચના આવે એવી શક્યતા હતી.
રાજીનામું આપ્યા પછી તરત રૂપાણી પોતાના બંગલે ચાલ્યા ગયા હતાં જ્યાં તેમને તેમના પ્રધાન મંડળના સાથીઓ વ્યક્તિગત રીતે મળવા ગયા હતા. વિજય રૂપાણી સ્થાનકવાસી જૈન હોવાથી તેમની સંવત્સરીનું પર્વ આજે ઊજવાતું હોવાથી તેઓ સાંજે પ્રતિક્રમણમાં પણ બેસી ગયા હતા. વિજય રૂપાણીની છાપ એક સજ્જન વ્યક્તિની રહી છે પણ એમ કહેવાય છે કે તેઓની રાજ્યના વહીવટ પર ધારી પક્કડ નહોતી મેળવી શક્યા. તેમનાં પુરોગામી નરેન્દ્ર મોદી અને આનંદી પટેલની અધિકારીઓ જે રીતે ફફડતા હતા એવી ધાક રૂપાણી અધિકારીઓ પર જમાવી શક્યા ન હતા.
એવા પણ સમાચાર છે કે શુક્રવારે વહેલી સવારે રૂપાણીને એવી સૂચના આપવામાં આવી હતી કે શનિવારે વડા પ્રધાન મોદીનો ગુજરાતમાંનો વર્ચ્યુઅલ કાર્યક્રમ પતે પછી બનતી ત્વરાએ રાજ્યાપલને રાજીનામું સુપ્રત કરી દેવું. સંઘના સંસ્કારમાં ઘડાયેલા વિજય રૂપાણીએ આજ્ઞાનું અક્ષરસહ પાલન કર્યું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter