અમદાવાદ: પાર્શ્વગાયિકા હર્ષિદાબહેન રાવલ (૭૬)નું અમદાવાદમાં નિધન થયું છે. હર્ષિદાબહેનની અંતિમયાત્રા તેમના પાલડીના નિવાસેથી નીકળી હતી. અનેક લોકપ્રિય ગીત દ્વારા તેઓનું ગુજરાતી સુગમસંગીત, ગુજરાતી ફિલ્મ સંગીત અને ભક્તિસંગીતમાં યોગદાન હતું. તેઓનો જન્મ લીમડીમાં મણિશંકર વ્યાસના પરિવારમાં થયો હતો. હર્ષિદાબહેન રાસબિહારી દેસાઈના વિદ્યાર્થિની હતા અને જાણીતા સંગીતકાર જર્નાદન રાવલનાં પત્ની હતાં ગુજરાત સરકાર દ્વારા તેમને પાંચ વખત શ્રેષ્ઠ પાર્શ્વગાયિકાનો પુરસ્કાર એનાયત કરાયો હતો. પાછલા જીવનમાં ચૈતન્ય મહાપ્રભુથી પ્રભાવિત થતાં તેઓ ભક્તિસંગીત તરફ વળ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ટ્વિટર પર શ્રદ્ધાંજલિ આપતા લખ્યું કે, હર્ષિદાબહેનની વિદાયથી દુઃખ છે. સંગીતક્ષેત્રે તેમનું પ્રદાન યાદગાર રહેશે.


