પાલિકા, પંચાયતમાં બન્ને પક્ષના ૮૪૩૬ ઉમેદવાર ચૂંટણી લડશે

Wednesday 04th November 2015 05:58 EST
 

અમદાવાદઃ મહાનગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીના ફોર્મ ભરાઈ રહ્યા છે ત્યારે ભાજપ-કોંગ્રેસના સત્તાવાર સૂત્રોનું કહેવું છે કે આશરે ૮૪૩૬ ઉમેદવારોના મેન્ડેટ સાઇન કરવા ચારથી પાંચ દિવસનો લાંબો સમય જોઈએ તો પાલિકા અને પંચાયતની એકસાથે મતગણતરી બાબતે સુપ્રીમકોર્ટે આદેશ કરતાં જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતોની મતગણતરી સાથે જ અમદાવાદ, રાજકોટ, વડોદરા, ભાવનગર, જામનગર અને સુરત મહાનગરપાલિકાની મતગણતરી પણ બીજી ડિસેમ્બરે જ થશે.

• ગોધરા ટ્રેનકાંડનો આરોપી ફારુખ ધંતિયા ઝડપાયોઃ

ગોધરા રેલવે સ્ટેશન ખાતે સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના એસ-૬ કોચને આગ લગાવાના કેસમાં ૧૩ વર્ષ સુધી ફરાર રહેલા આરોપી ફારુખ ધંતિયાની તાજેતરમાં ધરપકડ થઈ છે અને રેલવે મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરતાં તેને છ નવેમ્બર સુધીના રિમાન્ડ પર રાખવામાં આવ્યો છે.
• સરદારની મૂર્તિ બનાવનારા અનાવરણમાં ભુલાયાઃ

સરદાર પટેલની જન્મજયંતિએ ગાંધીનગરમાં સરદારની વિશાળ કદની પ્રતિમાનું
મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલના હસ્તે અનાવરણ થયું હતું. આ પ્રસંગે ૩૦ ફૂટની આ વિશાળ કદની પ્રતિમાને આકાર આપનારા પદ્મશ્રી મૂર્તિકાર રામ સુથારને આમંત્રણ તો મળ્યું હતું, પણ અનાવરણવિધિમાં કોઈએ તેમનો ભાવ ન પૂછતાં મૂર્તિકારનું સન્માન ઘવાયું હતું.
• ઇફકો-નાફેડના ડિરેક્ટરપદેથી નટુ પીતાંબર બરતરફઃ

રાજ્યના સહકારી આગેવાન તથા ઇફકો અને નાફેડના ડિરેક્ટર નટુ પીતાંબરને કેન્દ્ર સરકારે હોદ્દા પરથી બરતરફ કર્યા છે. સરકારે આ મામલે ૩૦મી ઓક્ટોબરે નિવેદન આપ્યું હતું કે, પીતાંબર ખોટું ટીએ-ડીએ ઉઘરાવતા હતા અને નિયમ વિરુદ્ધના કાર્યો કરતા હોવાથી તેમની પાસેથી હોદ્દો છીનવી લેવામાં આવ્યો છે.
• આરએસએસ માટે મુસ્લિમોએ ગુલાબની પાંખડી બિછાવીઃ
અત્યારે સમગ્ર શહેરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો પથસંચાલન કાર્યક્રમ ચાલી રહ્યો છે. અંતર્ગત પહેલી નવેમ્બરે અમદાવાદના જૂહાપુરા વિસ્તારમાંથી એપીએમસી માર્કેટ પાસે નીકળેલી પથસંચાલન યાત્રા માટે મુસ્લિમ બિરાદરોએ માર્ગમાં ગુલાબની પાંખડીઓ બિછાવીને આરએસએસના કાર્યકરોનું સ્વાગત કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter