ગાંધીનગરઃ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા પાલિકા-પંચાયતોની ખાલી પડેલી ૪૬ બેઠકોની પેટા ચૂંટણી સોમવારે યોજાઈ હતી. દરેક બેઠકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હતું. જેમાં રાજ્યની ૮ નગરપાલિકાની પ્રસંગોપાત ખાલી પડેલી ૧૧ બેઠકોની પેટા ચૂંટણીમાં સરેરાશ ૫૨.૬૯ ટકા, જિલ્લા પંચાયતોની બેઠકો પર પેટા ચૂંટણીમાં ૪૫.૮૭ અને તાલુકા પંચાયતોની ૩૩ બેઠકોની પેટા ચૂંટણીઓમાં સરેરાશ ૫૬.૪૮ ટકા મતદાન થયું. ઉલ્લેખનીય છે કે, નગર પાલિકાની ખાલી પડેલી ૧૧ બેઠકો માટે ભાજપના ૯, કોંગ્રેસના ૧૦ અને અપક્ષ ૭ એમ કુલ મળીને ૨૬ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જિલ્લા પંચાયતોની બે બેઠકોની પેટા ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસના બબ્બે મળીને કુલ ૪ ઉમેદવારો વચ્ચે હરીફાઈ હતી. તેમજ તાલુકા પંચાયતની ૩૩ બેઠકો માટે ભાજપના ૩૩, કોંગ્રેસના ૩૩ અને અપક્ષ ૯ એમ કુલ મળીને ૭૫ ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો.

