ગાંધીનગર: રાજ્ય ચૂંટણી પંચ દ્વારા હાથ ધરાયેલી ૭૫ પાલિકાની ચૂંટણીમાં ૧૭મી ફેબ્રુઆરીએ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયા પછી જાહેર થયેલા પરિણામોમાં ભાજપને સલામત રીતે ૪૭ બેઠકો મળી છે. વર્ષ ૨૦૧૩માં પણ ભાજપને પાલિકાની ચૂંટણીમાં ૪૭ બેઠકો મળી હતી. માત્ર આણંદની બોરીયાવી નગરપાલિકાના વોર્ડ નં.૪ના ઉમેદવારનું અવસાન થતાં આ વોર્ડની ચૂંટણી રદ કરાઇ હતી હવે તે ચૂંટણી ૧૨ માર્ચે યોજાશે. રાજ્ય ચૂંટણી કમિશનર વરેશ સિંહાએ જણાવ્યું હતું કે, ૭૫ પૈકી ૭૪ પાલિકા માટે મતદાન થયું હતું. જેમાં કુલ ૨૦૬૦ બેઠકોનો સમાવેશ થાય છે. મતદાન પૂર્વે જ જાફરાબાદ પારિસાના તમામ ૨૮ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા. જે તમામ ભાજપના હતા. ૩૩ જિલ્લાની કુલ ૭૪ પાલિકાની ૨૦૬૦ બેઠકો માટે હાથ ધરાયેલી મતગણતરીમાં ભાજપને ૧૧૬૭ બેઠક, કોંગ્રેસને ૬૩૦, બહુજન સમાજ પાર્ટી ને ૧૫, એનસીપીને ૨૮, અન્ય પક્ષોને ૧૮ તેમજ અપક્ષને ૨૦૨ બેઠકો મળી હતી ૭૫ પારિકાસની કુલ ૨૧૧૬ બેઠકો પૈકી બાવન બેઠકો બિનહરીફ થઈ હતી.

