ગાંધીનગરઃ ગુજરાતના ૩૩ જિલ્લાની કુલ ૭૫ નગરપાલિકાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપને કુલ ૪૭ અને કોંગ્રેસને ૧૬ પાલિકામાં બહુમતિથી સત્તા મળી હતી. જ્યારે આ સિવાય ચાર પાલિકા અપક્ષ, છ મિશ્ર (અનિર્ણિત), એક એક એનસીપી તથા બીએસપીને ફાળે ગઇ હતી. આ પૈકી સોમવારે ૬૮ પાલિકામાં પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના પદાધિકારીઓ નિમવા માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઇ હતી, તેમાં ભાજપને તેની બહુમતિવાળી ૪૩ પાલિકા ઉપરાંત ટાઇ પડી હતી એવી ગારિયાધાર, પારડી અને ખેડબ્રહ્મા પાલિકા તેમજ કલોલ, ધંધુકા અને થરાદમાં અન્યોના સમર્થનથી સત્તા મળતાં ૬૮માંથી ૪૯ પાલિકામાં ભાજપનું શાસન આવ્યું છે. જ્યારે કોંગ્રેસને ૧૬ અને અપક્ષના ફાળે ૩ પાલિકા ગઇ છે. હજુ ૭ પાલિકામાં પદાધિકારીઓની ચૂંટણી હાથ ધરાયા પછી વધુ સ્થિતિ સ્પષ્ટ થશે, તેવો દાવો ભાજપે કર્યો છે.
અગાઉ જાહેર થયેલા ૭૫ નગરપાલિકાના પરિણામોમાં ભાજપને કુલ ૪૭ પાલિકાઓમાં બહુમતી મળી ગઈ હતી. જોકે, ચૂંટણી પહેલા ભાજપની ૫૯ પાલિકામાં સત્તા હતી, આ દ્રષ્ટીએ ભાજપને ૧૩ પાલિકાનું નુકશાન થયું હતું. જ્યારે કોંગ્રેસની ૮ પાલિકામાં સત્તા હતી, એ ચૂંટણી પૂર્વે ૧૩ પાલિકામાં સત્તા હતી.


