અમદાવાદઃ શહેરના ગોતા વિસ્તારના એક પાર્ટી પ્લોટમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા રવિવારે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પાસના અલ્પેશ કથીરિયા અને હાર્દિક પટેલ જૂથ સામસામે આવી ગયા હતા. પોસ્ટરમાં અલ્પેશ કથીરિયાની બાદબાકી હતી જ્યારે હાર્દિકના ફોટા મૂકવામાં આવ્યા હતા. આ કારણસર પાસના બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. કાર્યક્રમમાં અંધાધૂંધી ફેલાતા નાસભાગ મચી જવા પામી હતી.
પાસના સ્નેહ મિલન કાર્યક્રમમાં રવિવારે હોબાળો મચી જવા પામ્યો હતો. કોંગ્રેસમાં જોડાયા બાદ હાર્દિક પટેલ આ કાર્યક્રમમાં જોડાયો હતો ત્યારે અલ્પેશ કથીરિયાના જૂથ દ્વારા પોસ્ટરમાં હાર્દિકના ફોટોને લઈને વિરોધ કરાયો હતો ત્યાર બાદ પોસ્ટર ફાડવા પ્રયાસ થયો હતો. અલ્પેશનો ફોટો ના હોવાથી તેના સમર્થકો રોષે ભરાયા હતા. જોતજોતામાં બે જૂથો સામસામે આવી ગયા હતા. રોષે ભરાયેલા કથીરિયાના સમર્થકોએ ‘હાર્દિક પટેલ, હાય-હાય’, ‘અલ્પેશ કથીરિયા જેલમાં ને હાર્દિક પટેલ મહેલમાં’ના નારા લગાવ્યા હતા. હાર્દિકની હાજરીમાં બે પક્ષો સામસામે આવી જતાં જોતજોતામાં તો મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. આમ કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં જ હોબાળો મચી જવા પામ્યો હતો.

