અમદાવાદઃ કોઈપણ વ્યક્તિનો પાસપોર્ટ છ મહિના પછી એક્સપાયર થતો હોય તે વ્યક્તિને વિદેશ પ્રવાસમાં મુશ્કેલી થઈ શકે. ભારતમાં આવા અસંખ્ય પાસપોર્ટ હોલ્ડર છે. જેમને તેમનો પાસપોર્ટ એક્સપાયર થતો હોવાની જાણ હોતી નથી. તેથી હવે પાસપોર્ટની મુદત પૂરી થઈ રહી હોય તેના નવ મહિના પહેલાં એક અને સાત મહિના પહેલાં બીજો એસએમએસ નોંધાયેલા મોબાઈલ નંબર પર આવશે. એસએમએસમાં જ પાસપોર્ટ રિન્યુઅલ એપ્લિકેશન માટે પાસપોર્ટની ઓફિશિયલ વેબસાઈટની લિંક મોકલાશે. જોકે સવાલ એ છે કે દસ વર્ષ પહેલાં જે વ્યક્તિને પાસપોર્ટ ઇશ્યુ કરાયો હોય તેનો એ વખતે જે મોબાઈલ નંબર નોંધાયેલો હોય તે જ અત્યારે હોય તે જરૂરી નથી. મોટાભાગના પાસપોર્ટ ધારકોના મોબાઈલ નંબર બદલાઈ ગયા હોવાની સંભાવના નકારી શકાય તેમ નથી. જોકે, આ પરિસ્થિતિમાં પાસપોર્ટ ઓફિસ દ્વારા રજિસ્ટર્ડ ઇ-મેઈલ આઈડી પર મેઈલ કરાશે. પાસપોર્ટ ઓફિસ દ્વારા જાણવા મળતી માહિતી વિદેશ મંત્રાલય દ્વારા ‘સિટીઝન ફ્રેન્ડલી પ્રો એક્ટિવ સર્વિસ’ અંતર્ગત આ એસએમએસ કરાશે.

