હવે નાગરિકો પાસપોર્ટ સંબંધિત કોઇપણ ફરિયાદ સીધા જ અમદાવાદના રિજિયોનલ પાસપોર્ટ ઓફિસર (આરપીઓ)ને સોશિયલ મીડિયા સાઇટ ‘ટ્વિટર’ પર ટ્વિટ દ્વારા કરી શકે છે. આ માટે @rpoahmedabad પર ટ્વિટ કરવાનું રહેશે. આ સેવા તાજેતરમાં જ શરૂ કરવામાં આવી છે. અત્યારે ટ્વિટર પર પાસપોર્ટ સંબધિત માહિતી તેમ જ વિવિધ ફરિયાદો આરપીઓને મળે છે. આ તમામ રિપોર્ટ દિલ્હી વિદેશ મંત્રાલયના ઉચ્ચ અધિકારીને ફોરવર્ડ કરવાનો રહેશે. આ અંગે આરપીઓ ઝેડ. એ. ખાને જણાવ્યું કે ‘ટ્વિટર પર આવતી ફરિયાદ કે માહિતી માટે અમે સોમવારથી શુક્રવારના વર્કિંગ અવર્સ દરમિયાન નવી સિસ્ટમ શરૂ કરીશું. આ માટે અમે એક કર્મચારી ફાળવી અરજદારને માહિતી કે ફરિયાદનો જવાબ આપીશું.’
આરોપીની માહિતી આપનારે રૂ. ૧૦ લાખનું ઇનામઃ અમદાવાદ શહેરના નવરંગપુરા ખાતેના ભાનુ જ્વેલર્સના માલિક પાસેથી રૂ. ૨૫ લાખની ખંડણી વસૂલવા માટે ૧૩ માર્ચના રોજ ફાયરિંગ કરનાર વિશાલ ગોસ્વામીને પકડવામાં નિષ્ફળ ગયેલી ગુજરાત પોલીસે ઉત્તર પ્રદેશ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોસની મદદ માગી છે. વિશાલ ગોસ્વામી અંગે માહિતી આપનારને ૧૦ લાખનું ઇનામ જાહેર થયું છે. શહેર ક્રાઇમ બ્રાંચના નવનિયુકત ડીસીપી દીપેન ભદ્રન ખુદ જુદીજુદી ત્રણ ટીમ સાથે યુપી પહોંચ્યા હોવાનું જાણવા મળે છે. બીજીબાજુ પોલીસે જ્વેલર્સ સાથે પણ મીટિંગ કરીને રક્ષણ માટે શું કરવું જોઇએ અને શું ન કરવું જોઇએ તેની ચર્ચા કરી હતી.
અમદાવાદ એરપોર્ટ પર પાર્કિંગ ચાર્જ વધ્યોઃ અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની ખાનગીકરણની પ્રક્રિયા ચાલી રહી છે ત્યાં જ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ પ્રવાસીઓ પર પાર્કિંગ ચાર્જનો વધુ એક બોજો નાખ્યો છે. ૧૫ માર્ચથી ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટમાં પ્રવેશ કરનારી ફોર વ્હિલર વાહનના પાર્કિંગ ચાર્જમાં ૪૦ ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. જેથી હવે નવા પાર્કિંગ ચાર્જ મુજબ પ્રવાસીઓને ફોર વ્હિલરના ચાર કલાકના રૂ. ૮૫ અને ટુ વ્હિલરના રૂ. ૨૦ ચૂકવવા પડશે. આમ ૪૦ લાખ પ્રવાસીઓ પર પાર્કિંગ ચાર્જનો બોજ નાખતા આગામી સમયમાં આ મુદે વિવાદ થાય તેવી શક્યતાઓ છે.
ભ્રષ્ટાચાર બદલ દૂધ સાગર ડેરીના વિપુલ ચૌધરી પદભ્રષ્ટઃ મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન વિપુલ ચૌધરી સામે સાગરદાણ સહિત રૂ.૧૨૦૦ કરોડના ભ્રષ્ટાચારના આક્ષેપોની તપાસ અને સુનાવણીના અંતે રાજ્યના સહકારી રજીસ્ટ્રાર એમ. એ. નરમાવાલાએ વિપુલ ચૌધરીને ડેરીના ચેરમેન પદેથી દૂર કરવાનો આદેશ કર્યો છે અને આ સાથે તેમને ૩ વર્ષ સુધી કોઈ પણ સહકારી મંડળીમાં હોદ્દો ધારણ કરવા કે ચૂંટણી લડવા માટે પણ ગેરલાયક ઠેરવ્યા છે. જોકે, વિપુલ ચૌધરીએ પોતાની સામે કાર્યવાહી કરવા સામે સુપ્રીમ કોર્ટમાં પીટિશન દાખલ કરી હોવાથી રજીસ્ટ્રારનો આદેશ સુપ્રીમ કોર્ટના નિર્ણયને આધિન રહેશે. કૃષિ અને સહકાર પ્રધાન બાબુભાઇ બોખિરીયાએ જણાવ્યું હતું કે, વિપુલ ચૌધરીને પદથી હટાવવાની નોટિસ અને અન્ય પ્રક્રિયા હાથ ધરાઈ છે. વધુ કાર્યવાહી અંગે સુપ્રીમ કોર્ટનું માર્ગદર્શન મેળવાશે.
પાંચ IASને પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે બઢતીઃ રાજ્ય સરકારે ગુજરાત કેડરના ૧૯૯૦ બેચના પાંચ આઇએએસ અધિકારીઓને પ્રિન્સિપલ સેક્રેટરી તરીકેના પ્રમોશનનો આદેશ કર્યો છે. જેમાં વાહન વ્યવહાર કમિશનર કમલ દયાની, જીએસપીસીના જોઇન્ટ મેનેજિંગ ડાયરેક્ટર મનોજકુમાર દાસ, સેટલમેન્ટ કમિશનર મનોજ અગ્રવાલ, નાગરિક પુરવઠા નિગમના મેનેજિંગ ડાયરેક્ટર સી. વી. સોમ અને કૃષિ વિભાગના સચિવ અરૂણ સોલંકીને અગ્રસચિવ તરીકે બઢતી આપી છે.
અમદાવાદ, સૌરાષ્ટ્ર, ઉત્તર-મધ્ય ગુજરાતમાં માવઠુંઃ અફઘાનિસ્તાન-પાકિસ્તાનમાં સર્જાયેલાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગત સપ્તાહે ગુજરાતનું હવામાન પલટાતા રાજ્યના ઘણા ભાગોમાં માવઠું થયું હતું. સૌરાષ્ટ્ર ઉપરાંત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં તીવ્ર પવન સાથે ઝાપટાં અને કરા પડ્યાં હતાં. વડોદરા, પાદરા અને વાઘોડિયામાં વરસાદ નોંધાયો હતો. અન્ય તાલુકામાં અમીછાંટણા જેવો વરસાદ વરસ્યો હતો. સૌરાષ્ટ્રના ઉપલેટા, મંડલિકપુર સહિતના ગામ તેમ જ અમરેલી, માણાવદર સહિતના પંથકમાં સતત બે દિવસ નુકસાનીનો વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી હતી. આ માવઠાંને કારણે શિયાળુ પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયાનો અંદાજ છે. જીરૂ, રાયડો, ઇસબગુલ, ઘઉં સહિતના પાકોને નુકશાન થતાં ખેડૂતોને આર્થિક મોટું નુકસાન થવાની સંભાવના છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેરીના પાકને ભારે નુકશાન થયું છે. માવઠાને કારણે આંબા પરના મોર ખરી પડયાં છે જેથી આ વર્ષે કેરીના પાકમાં ઉત્પાદનમાં ઘટાડો થશે. એક અંદાજ મુજબ, આ વખતે કેરીના પાકનું ઉત્પાદન ૪૦ ટકા ઘટે તેમ છે. ખેડાના ડામરી ખાતે વરસાદી વાતાવરણમાં વીજળી પડતાં નરેશ પ્રતાપભાઇ રાઠોડ(૨૫)નું મૃત્યુ નિપજ્યું હતું.
પક્ષ પ્રમુખ બન્યા પછી અમિત શાહની પ્રથમવાર વિધાનસભામાંઃ રાજ્યના પૂર્વ ગૃહરાજ્ય પ્રધાન અને નારણપુરાના ધારાસભ્ય અમિત શાહે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા પછી સોમવારે પ્રથમવાર ગુજરાત વિધાનસભામાં હાજરી આપી હતી. વિધાનસભા ગૃહમાં પ્રવેશતાની સાથે જ તમામ પ્રધાનો અને ભાજપના ધારાસભ્યોએ પોતાના સ્થાન પર ઊભા થઇને પાટલી થપથપાવી તથા ભારત માતાકી જય, વંદે માતરમ નારા લગાવીને અમિત શાહનું ભવ્ય સ્વાગત કર્યું હતું. વિધાનસભાના અધ્યક્ષ ગણપતભાઇ વસાવાએ પણ તેમનું સ્વાગત કરી અભિનંદન આપ્યા હતા.
મહિલા પીએસઆઇ લાંચ લેતા ઝડપાઈઃ અમદાવાદ જિલ્લાના બગોદરા પોલીસ સ્ટેશનની મહિલા પીએસઆઈ દારૂના કેસમાં ધરપકડ નહીં કરવા રૂ. ૬૦ હજારની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી)ના હાથે ઝડપાઈ છે. અમદાવાદ એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર આર. એમ. સરોડેના જણાવ્યા મુજબ બગોદરાના ચંદુભાઈ મકવાણાના પુત્રને દારૂનું વેચાણ કરતા ઝડપ્યા હતા. આ ઘટનામાં કેસ ન કરવા પીએસઆઇ શર્મિષ્ઠા ચૌધરીએ અંગત વ્યક્તિ દિલીપભાઈ મકવાણા થકી ચંદુભાઈ પાસે દારૂનો કેસ ન નોંધવા માટે ૬૦ હજારની માગણી કરાવી હતી. આ ઘટના અંગે એસીબીને ફરિયાદ કરતા સોમવારે છટકું ગોઠવી લાંચના કેસમાં ધરપકડ કરી હતી.