અમદાવાદ: બાળક ખરેખર કોનું છે, એ જાણવાની જિજ્ઞાસા આધુનિક ગુજરાતી સમાજમાં વધતી જાય છે. ખાસ તો પતિ-પત્નીના સબંધોમાં વિશ્વાસ ઘટી રહ્યો છે એટલે ઘરમાં રમતા બાળકનો પિતા ખરેખર હું જ છું કે કેમ એવો સવાલ થતો હોય એવા પુરુષોની સંખ્યા વધતી જાય છે. થોડા દિવસ પહેલા જ રાજકોટમાં એક વ્યક્તિએ પોતાનો દીકરો ખરેખર પોતાનો નથી એવું ધારીને તેનું ખૂન કરાવી નાંખ્યું હતું. હત્યા થઈ એટલે પારિવારિક અવિશ્વાસનો એ કિસ્સો બહાર આવ્યો, પણ બહાર ન આવ્યા હોય એવા કિસ્સાઓની ભરમાર છે.
બાળકનો પિતા કોણ છે? એ ડીએનએ ટેસ્ટ દ્વારા જાણી શકાય છે. સદભાગ્યે હવે મેડિકલ સાયન્સ ઘણું આગળ વધી ગયું છે. મેડિકલ સાયન્સનો લોકો હાલ તો પોતાની શંકાનું સમાધાન કરવા માટે ઉપયોગ કરી રહ્યા છે. ગુજરાતમાં હાલ આવા ૧૦૦થી વધુ કેન્દ્રો છે, જે પિતૃત્વનું પરીક્ષણ કરી આપે છે. આ DNA ટેસ્ટનો ખર્ચ વળી સરેરાશ ૧૩થી ૧૫ હજાર જેટલો જ આવે છે એટલે શંકાનું સમાધાન કરવા માટે લોકો એ રકમ ખર્ચતા અચકાતા નથી.
પેથોલોજી લેબોરેટરીની ચેઈન ધરાવતા ઘણા સેન્ટરો હવે ગુજરાતમાં પણ ખૂલવા લાગ્યા છે. તેમનું એવું કહેવું છે કે ડીએનએ ટેસ્ટની ડિમાન્ડ વધી રહી છે તેથી અમે હવે પેથોલોજી લેબોરેટરી સાથે ડીએનએ ટેસ્ટની સુવિધા પણ આપીએ છીએ. લેબોરેટરી સંચાલકોનું કહેવું છે કે માત્ર ભણેલા-ગણેલા કે શહેરીજનો જ નહીં દૂરના ગ્રામ્ય વિસ્તારમાંથી પણ લોકો ડીએનએ ટેસ્ટ માટે આવે છે.
માત્ર દાંપત્યજીવનના અવિશ્વાસને કારણે જ ટેસ્ટ થાય એવુંય નથી. જે દંપતીએ આઈવીએફ ટેકનિક દ્વારા બાળકને જન્મ આપ્યો હોય એ લોકો પણ બાળકનું પિતૃત્વ જાણવા માટે આ ટેસ્ટ કરાવે છે. કેમ કે બેદરકાર ડોક્ટરો આઈવીએફ વખતે કદાચ સ્પર્મ બદલી નાંખતા હોય અથવા ભૂલથી બદલાઈ જતાં હોય તો બાળકના પિતા કોણ એ તપાસનો વિષય બને જ. ઉલ્લેખનીય છે કે ભારતમાં છેલ્લા વર્ષોમાં નિ:સંતાન દંપતીઓ આઈવીએફ પદ્ધતિ દ્વારા બાળકને જન્મ આપતાં થયા છે.


