અમદાવાદ: પીઢ સાહિત્યકાર મોહમ્મદ વલીભાઈ માંકડનું 95 વર્ષની વયે પાંચમી નવેમ્બરે એક ખાનગી હોસ્પિટલમાં અવસાન થયું છે. સાહિત્ય ક્ષેત્રે ટૂંકી વાર્તા, નવલકથા, ચિંતનાત્મક નિબંધ, અનુવાદ, બાળવાર્તા તથા પત્રકારત્વ ક્ષેત્રે તેમનું મોટું પ્રદાન રહ્યું છે. તેઓ ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રથમ પ્રમુખ નિમાયા હતા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સભ્ય પણ હતા.
બોટાદ નજીકના પાળિયાદ ગામમાં 13 ફેબ્રુઆરી 1928ના રોજ તેમનો જન્મ થયો હતો. 20 વર્ષની વયે તેમની પ્રથમ કૃતિ અખંડ આનંદમાં પ્રગટ થઈ હતી. ટૂંકી વાર્તા અને નવલકથાની સાથે નાટ્યલેખનમાં પણ તેમણે કાઠું કાઢ્યું હતું.
1977માં તેમણે ‘સંદેશ’ દૈનિકમાં ‘કેલિડોસ્કોપ’ નામથી કોલમ શરૂ કરી હતી, જે આજ પર્યંત ચાલુ રહેવા પામી છે. તેમને કાકા સાહેબ કાલેલકર એવોર્ડ, ટૂંકી વાર્તા માટે ગુજરાત સરકારનું ઈનામ, નવલકથા માટે મુન્શી સુવર્ણચંદ્રક તથા તેમના નિબંધસંગ્રહને ગુજરાત સાહિત્ય પરિષદનું પારિતોષિક મળી ચૂક્યું છે.
તેમને વર્ષ 2008માં રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત કરાયો હતો. 2018માં ગુજરાત સાહિત્ય ગૌરવ પુરસ્કાર એનાયત કરાયો હતો. મોહમ્મદ માંકડની ઘણી વાર્તાઓના અનુવાદ થયા છે. તેમને વિવિધ પાઠ્યપુસ્તકોના અભ્યાસક્રમમાં સ્થાન પણ મળ્યુ છે.


