પીરાણા દરગાહ મૂળ હિન્દુઓનું જ ધાર્મિક સ્થાન

Friday 19th August 2022 06:04 EDT
 
 

અમદાવાદ: પીરાણા પ્રાચીન ઇમામશાહ બાવાની દરગાહ અને તેની ફરતે મુસ્લિમ ધાર્મિક સ્થાનને હિન્દુ ધાર્મિક સ્થાનમાં રુપાંતરણ કરવાની તજવીજ સામે ગુજરાત હાઇ કોર્ટમાં થયેલી જાહેર હિતની રિટમાં ઇમામશાહ બાવા રોઝા ટ્રસ્ટ તરફથી મહત્વનું સોગંદનામું રજૂ કરી વર્ષો જૂના એક ઠરાવના આધારે દાવો કર્યો હતો કે, વાસ્તવમાં આ મૂળ ધાર્મિક સ્થાન હિન્દુઓનું જ છે. આ ધાર્મિક સ્થાનના ટ્રસ્ટના ટ્રસ્ટીઓમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના અગ્રણીઓ સમાવિષ્ટ છે પરંતુ સંસ્થા હકીકતમાં સતપંથીઓની છે. ટ્રસ્ટ તરફથી રજૂ કરાયેલા સોગંદનામાને રેકર્ડ પર લઇ હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી બે સપ્તાહ બાદ મુકરર કરી હતી. ઇમામશાહ બાવા રોઝા ટ્રસ્ટ તરફથી સોગંદનામાંમાં કેટલીક બહુ મહત્વની સત્ય હકીકતો ઉજાગર કરવાનો પ્રયાસ થયો હતો. 

ઇમામશાહ બાવા રોઝા ટ્રસ્ટ તરફથી એડવોકેટ એસ.કે.પટેલે જણાવ્યું હતું કે, પીરાણામાં સ્થિત આ ધાર્મિક સ્થળ પર ૬૦૦ વર્ષ જૂની મસ્જિદ, દરગાહ અને મંદિરો રહેલા છે. આ હિન્દુઓનું જ ધાર્મિક સ્થાન છે. ટ્રસ્ટના મતે, આ મૂળભૂત રીતે મુસ્લિમ સંસ્થા છે તે કહેવું સત્ય નથી. વર્ષ ૧૯૩૯માં નીચલી કોર્ટે જારી કરેલા ચુકાદા મુજબ, મંજૂર કરાયેલી યોજનાના આધારે ટ્રસ્ટ આ દાવો કરે છે. આના આધારે જ ટ્રસ્ટની રચના કરાયેલી છે. જે સૂચવે છે કે, આ પીરાણા મંદિર એ હિન્દુ સતપંથી અથવા તો સત્સંગીઓની સંસ્થા છે. ટ્રસ્ટ એ પણ સ્પષ્ટ કર્યું કે, સૈયદ ટ્રસ્ટીઓએ આ ધાર્મિક સ્થળને વકફ મિલ્કત જાહેર કરવાની માંગ સાથે ચેરિટી કમિશનરને રજૂઆત કરી હતી. જો કે, તે નકારવામાં આવી હતી. આ હુકમની સામે જિલ્લા કોર્ટ, હાઇકોર્ટ અને સુપ્રીમકોર્ટમાં પણ અપીલ કરાઇ હતી, તે પણ નામંજૂર થયેલી છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter