અમદાવાદઃ રાજ્યસભા માટે ઉમેદવારીપત્ર ભરનારા ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પુરુષોતમ રૂપાલાએ પોતાની મિલકતો અને આવકનાં પુરાવાઓ આપતું એફિડેવિટ ૩૦મીએ રજૂ કર્યું હતું. એ પ્રમાણે રૂપાલા પાસે સ્થાવર અને જંગમ મિલકતો, બેન્કની ફિક્સ ડિપોઝીટ, વગેરેનું મૂલ્ય રૂ. ૪.૨૪ કરોડ છે. જ્યારે તેમનાં પત્ની સવિતાબહેન પાસે પણ રૂ. સાડા ત્રણ કરોડની મિલકતો છે. રૂપાલા પાસે હાથ પર રૂ. ૭.૬૫ લાખની રોકડ જ છે.
વિધાનસભાનાં સચિવ સમક્ષ રજૂ કરાયેલી ૩૫ પાનાની એફિડેવિટ મુજબ પુરુષોત્તમ રૂપાલાની જંગમ અસ્કામત
રૂ. ૨૦૫૧૯૮૩૦ની છે. જ્યારે પત્નીના નામે રૂ. ૨૫૧૧૯૪૫૮ની મિલકતો છે. બન્નેની મિલકતોનો સરવાળો રૂ. સાડા પાંચ કરોડને પાર કરી જાય છે.
રાજ્યસભાની ઉમેદવારી
રૂપાલાએ ૩૦મી મેએ ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાના સેક્રેટરી સમક્ષ રાજ્યસભાની બેઠક માટે ઉમેદવારી પત્ર ભર્યું હતું અને મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ, વિજય રૂપાણી અને રમણલાલ વોરાએ રૂપાલાને સમર્થન આપ્યું હતું. તો બીજી તરફ કોંગ્રેસના નેતાઓએ રાજ્યસભાના ઉમેદવારો જાહેર નહીં કરવાનો નિર્ણય લીધો હતો. પ્રદેશ કોંગ્રેસના નેતાઓ રાજકોટમાં લોકદરબારમાં વ્યસ્ત હતાં અને જાણે રાજ્યસભાની ચૂંટણી જ ન હોય તેવું વલણ દાખવ્યું હતું.


