અમદાવાદઃ જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (જીતો)ના લક્ષ્યના કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે વિપક્ષ પર પ્રહારો કર્યાં હતા.
પુલવામાની ઘટના સંદર્ભે તેમણે કહ્યું કે, ‘ઘટના બની ત્યારે લોકો પૂછતા હતા કે હવે શું થશે? પણ મોદી સરકારે ઘટનાના તેરમા જ દિવસે એરસ્ટ્રાઇક કરી અને કોઈ પણ પ્રકારની કેઝ્યુલિટી વગર ૨૫૦થી વધુ આતંકીઓનો ખાતમો બોલાવી દીધો. આ પછી આપણા દેશના યોદ્ધા અભિનંદને પણ ૪૮ કલાકમાં છોડી દેવો પડ્યો ત્યારે પણ વિપક્ષોએ પુરાવા માગ્યા. જે લોકો આ રીતે પુરાવા માગે છે તેઓ પાકિસ્તાનની મદદ કરી રહ્યા છે.
વધુમાં જણાવ્યું હતું કે, દેશની ચૂંટણી કોઈની ઉંમર કે છોકરો તૈયાર થઈ જાય ત્યારે ન થવી જોઈએ. દેશની ચૂંટણી દેશના વિકાસ માટે, પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી શકે અને ભારતને મહાસત્તા તરફ લઈ જવા માટે થવી જોઈએ. આપણું અર્થતંત્ર છેલ્લા પાંચ વર્ષમાં ૯માંથી ૬ ક્રમે આવ્યું છે. ટૂંક સમયમાં ઇંગ્લેન્ડને પાછળ પાડીને ભારતનું અર્થતંત્ર દુનિયાના ટોપ-૫મા ક્રમે લાવીશું.

