અમદાવાદઃ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (બીએપીએસ)ના વડા અને સંત ૯૫ વર્ષીય પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનું સ્વાસ્થ્ય સ્થિર અને સંતુલિત છે. તેઓને વેન્ટિલેટર કે લાઈફ સપોર્ટ મશીન પર રાખવામાં આવ્યા હોવાની વાત તથ્યહીન છે.
સારંગપુર સ્થિત બીએપીએસ-સ્વામિનારાયણ મંદિરેથી સાધુ બ્રહ્મવિહારીદાસજીએ જણાવ્યું હતું કે બીએપીએસસ્વામિનારાયણ સંસ્થાના વડા અને મહાન સંત પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને છેલ્લા કેટલાક સમયથી છાતીમાં ઇન્ફેક્શન થયું હોવાથી તેઓ તબીબોની સારવાર હેઠળ તીર્થધામ સારંગપુરમાં વિશ્રામ લઈ રહ્યા છે. તેઓને વેન્ટિલેટર કે લાઈફ સપોર્ટ મશીન પર રાખવામાં આવ્યાના સમાચારમાં તથ્ય નથી. તેઓનું સ્વાસ્થ્ય સંતુલિત છે. ૯૫ વર્ષની ઉંમર અને શારીરિક દુર્બળતાને કારણે તેમનું સ્વાસ્થ્ય ધીમે ધીમે સુધરી રહ્યું છે. હાલમાં તેઓનાં દર્શન થઈ શકશે નહીં. સ્વાસ્થ્યની અનુકૂળતા થશે ત્યારે તેઓનાં દર્શનનો લાભ મળી શકશે.
ઉલ્લેખનીય છે કે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે પોતાનું જીવન લોકસેવામાં સમર્પિત કર્યું છે અને ૧૭,૫૯૦ ગામડાઓ અને નગરોમાં ભ્રમણ કરીને અસંખ્ય લોકોનો પ્રેરણાસ્રોત બની રહ્યા છે. અનેક કષ્ટો જીવનભર વેઠીને તેમણે સમાજનાં પ્રત્યેક ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમની પ્રેરણાથી વિશ્વભરમાં અનેકવિધ સામાજિક, આધ્યાત્મિક અને માનવસેવાની પ્રવૃત્તિ દિવસ-રાત ચાલી રહી છે. તેઓનાં સાધુતામય, પવિત્ર, આધ્યાત્મિક જીવનનો પ્રભાવ અનેક લોકોના જીવનનાં પરિવર્તનનું કારણ બન્યો છે. આદિવાસીઓનાં ગરીબ ઝૂંપડાથી લઇને દેશ-વિદેશનાં બૌદ્ધિકો સુધી અસંખ્ય લોકો તેમને હૃદયપૂર્વક આદર આપે છે.


