પૂ. પ્રમુખસ્વામી મહારાજના જીવનની ઝરમર

Sunday 14th August 2016 01:38 EDT
 
 

અમદાવાદઃ પ્રમુખસ્વામી મહારાજનો જન્મ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચાણસદ ગામે થયો હતો. પિતા મોતીભાઈ, માતા દિવાળીબા. ખેતી અને પ્રભુભક્તિ સિવાય આ પરિવારને જીવનનું બીજુ કોઈ વિશિષ્ટ પાસું ન હતું. માગશર સુદ આઠમ, સંવત ૧૯૭૮ (૭ ડિસેમ્બર, ૧૯૨૧)ના રોજ પ્રમુખસ્વામી મહારાજનો જન્મ થયો હતો. પ્રમુખ સ્વામીનું જન્મનું નામ શાંતિલાલ હતું.
• ૧૬ મે, ૧૯૨૯ના રોજ તેમના ગામની શાળામાં પહેલા ધોરણમાં ભણવા બેસાડ્યા. એકથી પાંચ ધોરણ તેમના ગામમાં ભણ્યાં બાદ તેમણે છઠ્ઠા ધોરણ માટે પાદરા ગામની શાળામાં પ્રવેશ લીધો.
• શાન્તિલાલ ઘરેથી ક્રિકેટનો સરંજામ લેવા વડોદરા જવા નીકળ્યા. રસ્તામાં ભાઈલી ગામના રાવજીભાઈએ કહ્યું કે ‘ગુરુ શાસ્ત્રીજી મહારાજે તમારા માટે ચિઠ્ઠી આપી છે.’ અઢાર વર્ષના યુવાન શાન્તીભાઈએ કવર ખોલી ચિઠ્ઠી વાંચી. તેમાં લખ્યું હતુંઃ ‘સાધુ થવા આવી જાઓ’
• શાન્તિભાઈ વડોદરા જવાના બદલે પાછા ઘેર આવ્યા. માતા-પિતાને ચિઠ્ઠી બતાવીને કહ્યું કે ભાઈલી ગામે સત્સંગ માટે વિચરતા સાધુ નીલકંઠ સ્વામી અને ઘનશ્યામ સ્વામીને મળવા જવાનું ગુરુ શાસ્ત્રીજી મહારાજે કહ્યું છે. આ હરિભક્ત કુટુંબે હસતા મુખે, કોઈ ચહલપહલ વગર, ગૃહત્યાગ માટે શાન્તિભાઈને વિદાય દીધી. એ દિવસ હતો ૭ નવેમ્બર, ૧૯૩૯નો.

પૂ. પ્રમુખસ્વામીનું સાધુજીવન

• તા ૨૨ નવેમ્બર, ૧૯૩૯ના રોજ શાસ્ત્રીજી મહારાજે કિશોરવયના ભકતરાજને પાર્ષદની દીક્ષા આપી.
• ૧૦ જાન્યુઆરી, ૧૯૪૦ના રોજ ગોંડલમાં ભાગવતી દીક્ષા બાદ તેમનું નામ પડયું નારાયણસ્વરૂપ દાસ સ્વામી.
• પેટલાદની સંસ્કૃત પાઠશાળામાં સંસ્કૃત અભ્યાસ કર્યો અને શાસ્ત્રી નારાયણસ્વરુપદાસજી બન્યા
• વર્ષ ૧૯૫૦માં શાસ્ત્રીજી મહારાજે દીર્ઘદૃષ્ટિથી સ્થાપેલી વિકસતી ધર્મસંસ્થા અક્ષરપુરુષોત્તમ સંસ્થાના પ્રમુખ તરીકે તેઓને નિયુકત કર્યા. ત્યારથી તેઓને પ્રમુખ સ્વામીના હુલામણાં નામથી ઓળખવામાં આવે છે.
• યુનોની ધર્મસંસદમાં ગુજરાતી ભાષામાં સૌપ્રથમ પ્રવચન કરી તેમણે ગુજરાતી ભાષાને ગૌરવ આપ્યું છે.
• નિઃસ્વાર્થ સેવા કરતા ૮૪૪થી વધુ સમાજસેવી સંતોનો સમુદાય અને ૧૧૦૦થી વધુ મંદિરો બનાવવાનો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તેમના નામે છે.
• ૧૮,૦૦૦થી વધુ ગામડાઓ અને શહેરોમાં ધર્મસભાઓ કરીને સામાન્ય જનતાને જીવનનો રાહ બતાવ્યો.
• ૨.૫ લાખ જેટલા ઘરમાં જઇને લોકોને નિર્વ્યસની જીવનની પ્રેરણા આપી. ૧૭ હજાર સત્સંગ કેન્દ્રો શરૂ કર્યા.
• ૫૫ હજાર સ્વયંસેવકોની ફોજ તૈયારી કરીને સમાજસેવાથી ભૂકંપ, પૂર જેવી આપત્તિઓમાં સમાજમાં સેવાની ધૂણી ધખાવી. હોસ્પિટલો -શાળાઓ બનાવીને નિરામય-શિક્ષિત સમાજ તૈયાર કર્યો.
• ભારતીય સંસ્કૃતિનાં ઉજ્જવલ મૂલ્યો માટે ૫૫ જેટલા દેશોમાં રચનાત્મક રીતે આજે બીએપીએસ સંસ્થા કાર્યરત છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter