અમદાવાદઃ બોચાસવણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)ના વડા અને મહાન સંત ૯૫ વર્ષીય પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે સારંગપુર તીર્થ ખાતે દર્શન આપતા હરિભક્તોમાં પ્રસન્નતા અને આનંદની લાગણી ફેલાઇ હતી. ખાસ કરીને સંસ્થાની વેબસાઇટ ઉપરનાં ફોટા વોટ્સએપ ઉપર પણ વાઇરલ થયા છે. સાથે જ વિશ્વભરનાં હરિભક્તો દ્વારા તેઓનાં દીર્ઘાયુ માટે પ્રાર્થના પણ થઇ રહી છે. પૂ. પ્રમુખસ્વામી મહારાજે દર્શન આપ્યા તે દિવસે ૨૭ જુલાઇએ પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એ. પી. જે. કલામની પ્રથમ પૂણ્યતિથિ હોવાથી તેમને યાદ કરાયા હતા અને શ્રદ્ધાંજલિ પણ અર્પવામાં આવી હતી.
સાધુ બ્રહ્મવિહારીદાસજીએ જણાવ્યું હતું કે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર-સારંગપુર ખાતે બિરાજમાન સંસ્થાના વડા અને મહાન સંત પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે બુધવારે સ્વાસ્થ્યની અનુકૂળતા બાદ સંતો અને હરિભક્તોને દર્શન આપ્યા હતા. સાથે જ દેશના પૂર્વ રાષ્ટ્રપતિ અને જાણીતા વૈજ્ઞાનિક ડો. એ. પી. જે. અબ્દુલ કલામને પણ યાદ કર્યા હતા. યોગાનુયોગ આ દિવસે ડો. કલામની પ્રથમ પૂણ્યતિથિ હોવાથી પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે તેમને શ્રદ્ધાંજલિ પાઠવીને પ્રાર્થના પણ કરી હતી કે ડો. કલામનાં સ્વપ્ન મુજબ ભારત દેશ આગળ વધે તો સમગ્ર વિશ્વમાં પણ શાંતિ સ્થપાશે.
ઉલ્લેખનીય છે કે ૨૦ જૂન, ૨૦૧૫નાં રોજ સાળંગપુરના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં ડો. અબ્દુલ કલામે પવિત્ર રમજાન મહિનામાં પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની મુલાકાત લઇને પોતે લખેલું અંગ્રેજી ભાષાનું પુસ્તક ‘ટ્રાન્સેન્ડન્સ’ (પરાત્પર) અર્પણ કર્યુ હતું અને પોતાના વિચારો રજૂ કર્યા હતા.


