અમદાવાદઃ દિવાળી પર્વને અનુલક્ષીને આ સપ્તાહમાં ખરીદીની શરૂઆત થઈ ચૂકી હશે. ગત સપ્તાહે તો ઓનલાઇન શોપિંગ કંપનીઓ દ્વારા પણ દિવાળીને અનુલક્ષીને જંગી સેલનું આયોજન કરાયું હતું. જે સફળ પણ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. દિવાળી પહેલાં વિવિધ બજારોમાં ગ્રાહકોની ભીડ દેખાય છે, પરંતુ બજારોની આ વિશાળ શ્રૃંખલામાં એક એવું બજાર પણ છે જે લોકોની નજરે ખાસ ચઢતું નથી. આમ છતાં ય મહાપર્વના બે ચાર દિવસ અગાઉથી આ બજારમાં મોટાપાયે ઘરાકી હોય છે. આ બજાર છે પૂજા સામગ્રીનું બજાર.
પૂજા સામગ્રીના બજારની કોઈ ચોક્કસ જગા નથી હોતી. દરેક ગામ અને શહેરના તળાવ વિસ્તારોમાં પૂજા સામગ્રીની દુકાન હોય છે જ અને વારે તહેવારે આ બજારમાં પણ ભીડ રહેતી હોય છે.
હવે બદલાતા સમયની સાથે પૂજા- સામગ્રીના બજારમાં પણ બદલાવ આવ્યો છે. ઇ-કોમર્સ કંપનીઓ દ્વારા તાજેતરમાં રજૂ થયેલ ઓનલાઇન શોપિંગ ફેસ્ટિવલમાં આ વખતે પૂજા- સામગ્રીની વિવિધ ચીજવસ્તુઓનો સમાવેશ થયો હતો. તાજેતરમાં યોજાયેલા ઓનલાઇન શોપિંગમાં જે તે કંપનીઓના પોર્ટલની મુલાકાત લેતાં જોવા મળ્યું હતું કે, આ વખતે કંકુ, અબીલ, ગુલાલ, નાડાછડી, અગરબત્તી જેવી વિવિધ પૂજાની સામગ્રી, દીવા, હવનકુંડ, ગંગાજળ, રંગોળી, યંત્ર, મૂર્તિ જેવી સંખ્યાબંધ પૂજામાં વપરાતી ચીજવસ્તુઓ પણ ઓનલાઇન શોપિંગમાં ઉપલબ્ધ હતી.
નવાઈની વાત એ છે કે પૂજાની ચીજવસ્તુઓમાં ગૌમૂત્ર અને હવનમાં વપરાતા ગાયના છાણમાંથી બનતા છાણા પણ ઓનલાઇન શોપિંગ માટેની યાદીમાં સામેલ હોય છે. જેમાં ગૌમૂત્રની એક બોટલના રૂ. ૧૦૦થી ૧૫૦ અને છાણાના એક નંગની કિંમત રૂ. ૫૦થી શરૂ થાય છે.
પૂજા વિધિની સામગ્રીનું વેચાણ કરતી ઓનલાઇન કંપનીના જણાવ્યા પ્રમાણે, આજકાલ ઇન્ટરનેટનો વપરાશ વધી રહ્યો છે તેમાંય મોટા ભાગના યંગસ્ટર્સ નેટસર્ફિંગ કરે છે. દિવાળી નિમિત્તે ઘરે, ઓફિસે કે પછી દુકાનમાં ચોપડા પૂજન કે લક્ષ્મી પૂજન હોય કુટુંબના વડીલો પૂજાની સામગ્રીનું લિસ્ટ યુવાનોને આપતા હોય છે. યંગસ્ટર્સ લિસ્ટ મુજબ ઓનલાઇન શોપિંગ જ પસંદ કરતા થયા છે. ઓનલાઇન શોપિંગમાં 'કેશ ઓન ડિલિવરી'નો વિકલ્પ પણ હોવાથી ઓર્ડર મુજબની વસ્તુઓની ડિલીવરી ગ્રાહકે જણાવેલી જગ્યાએ મળી જાય અને તે વસ્તુઓ પૂજાના કામમાં લેવાય છે.


