પૂર્વ મુખ્ય પ્રધાન માધવસિંહ સોલંકીનું ૯૪ વર્ષની વયે અવસાન

Monday 11th January 2021 05:12 EST
 
 

અમદાવાદઃ પૂર્વ મુખ્ય પ્રધાન માધવસિંહ સોલંકીનું ૯૪ વર્ષની વયે નવમી જાન્યુઆરીએ વહેલી સવારે નિધન થયું હતું. શનિવારે બપોરે ૧૨.૦૦ વાગે કેબિનેટની બેઠકમાં સ્વ. માધવસિંહને શ્રદ્ધાંજલિ સાથે શોક ઠરાવ પસાર કરાયો હતો અને એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરાયો હતો. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના તમામ કાર્યક્રમો પણ રદ કરાયાં હતાં.
૩૦ જુલાઇ, ૧૯૨૭ના રોજ જન્મેલા માધવસિંહનું મૃત્યુ થયું ત્યારે તેમના પુત્ર ભરતસિંહ સોલંકી અમેરિકાના પ્રવાસે હતા. રવિવારે ભરતસિંહ ગાંધીનગર આવ્યા પછી માધવસિંહનાં અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે થયાં હતાં. રવિવારે બપોરે બે કલાક માટે માધવસિંહ સોલંકીના પાર્થિવ દેહને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા અંતિમ દર્શનાર્થે મુકાયો હતો. એ પછી અમદાવાદ વી. એસ. હોસ્પિટલની પાછળ આવેલા સ્મથાનગૃહમાં તેમની અંતિમક્રિયા થઈ હતી. માધવસિંહ સોલંકીને શ્રદ્ધાંજલિ આપતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, માધવસિંહ સોલંકી વાંચનના શોખીન હતાં. હું જયારે તેમને મળતો ત્યારે તેઓ માત્ર વાંચન-સાહિત્ય વિશે વાત કરતા હતાં. કોંગ્રેસના અગ્રણી નેતા રાહુલ ગાંધીએ પણ માધવસિંહને શ્રદ્ધાંજલિ પાઠવતાં જણાવ્યું કે, કોંગ્રેસની વિચારધારાને આગળ ધપાવવામાં માધવસિંહ સોલંકીએ આપેલા યોગદાનને હંમેશા યાદ રખાશે.
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ માધવસિંહના નિવાસે પહોંચીને તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી. રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના નેતાઓએ માધવસિંહ સોલંકીના નિધનથી દુ:ખ વ્યક્ત કર્યું હતું. આ ઉપરાંત દિલ્હીથી કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનો શોક સંદેશ લઇને આવેલા બે કેન્દ્રીય નેતાઓ, શક્તિસિંહ ગોહિલ, અમી યાજ્ઞિક, સિદ્વાર્થ પટેલ, અર્જુન મોઢવાડિયા, નિશિત વ્યાસ સહિતના નેતાઓ-કાર્યકરોએ તેમને શ્રદ્વાંજલિ આપી હતી.
માધવસિંહ સોલંકીની રાજકીય સફર
• ૧૯૫૭માં રાજકારણ પ્રવેશ અને ૧૯૫૭થી ૧૯૬૦ સુધી મુંબઈ વિધાનસભાના તેઓ સભ્ય
• ૧૯૬૦થી ૧૯૬૮ સુધી ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય
• ૧૯૭૬માં પ્રથમ વખત અને ૧૯૮૦માં બીજી વખત મુખ્ય પ્રધાન. કુલ ચાર વખત તેઓ ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા હતા
• ૧૦૮૮માં રાજ્યસભાના સભ્ય અને ૧૯૯૫માં ગૃહ બાબતોની સંસદીય સ્થાયી સમિતિના અધ્યક્ષ નિમાયા
• ૧૯૮૮થી ૧૯૮૯ સુધી આયોજન પંચના ઉપાધ્યક્ષ
• ૧૯૯૧ - ૧૯૯૨ સુધી વિદેશ પ્રધાન
• બે ટર્મ સુધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને ઓલ ઈન્ડિયા કોંગ્રેસ સમિતિના મહામંત્રી પણ રહ્યા
• ખામ થિયરીના પ્રણેતા માધવસિંહના નામે ગુજરાતમાં ૧૪૯ બેઠકો જીતવાનો રેકોર્ડ
• સામાજિક અને આર્થિક રીતે અનામત અને મધ્યાહન ભોજન યોજના તેમનો વિચાર


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter