ગાંધીનગરઃ વસંત વગડા (ગાંધીનગર)માં રહેતા ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલા પણ કોરોનામાં સપડાયા છે. છેલ્લા ઘણા દિવસોથી બહાર નહીં ગયા હોવા છતાં તેમને ચેપ લાગ્યો છે. તેથી આરોગ્ય વિભાગે તેમને છેલ્લા થોડા સમયમાં મળેલા દરેકનું લિસ્ટ બનાવ્યું છે.
હાલ બાપુ ઘરે એકલા જ છે ત્યારે તાવ રહેશે તો હોસ્પિટલમાં દાખલ થઇને સારવાર લેશે તેમ પણ તેમણે આરોગ્યના અધિકારીઓને જણાવ્યું હતું. ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન અને તાજેતરમાં જ એનસીપીમાંથી છેડા ફાડનાર ૮૦ વર્ષીય શંકરસિંહ વાઘેલાને ત્રણ-ચાર દિવસ તાવ અને અશક્તિની ફરિયાદ રહેતાં તેમનો કોરોના ટેસ્ટ કરાયો હતો. તેમને ગળામાં બળતરા અને કફ પણ હતો તેથી તેમણે ખાનગી લેબોરેટરીમાં કોરોનાનો રિપોર્ટ કરાવવા સેમ્પલ આપ્યા હતા.
ખાનગી લેબોરેટરીમાં તેમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતાં લેબોરેટરીએ ગાંધીનગર જિલ્લા આરોગ્ય તંત્રને જાણ કરી હતી. એ પછી આરોગ્ય ટીમ વસંત વગડે પહોંચી હતી અને ત્યાં આરોગ્યલક્ષી કામગીરી આરંભી હતી.ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ બાપુએ પત્રકાર પરિષદ પણ યોજી હતી. જેમાં ઘણાને મળ્યા હતા.
ભરતસિંહ અમદાવાદ હોસ્પિટલમાં રિફર
પ્રદેશ કોંગ્રેસના અગ્રણી ભરતસિંહ સોલંકીની પણ તબિયત વધુ બગડતાં તેમને ૨૯મી જૂને વડોદરાની હોસ્પિટલમાંથી અમદાવાદની હોસ્પિટલમાં રિફર કરાયા છે. રાજ્યસભાની ચૂંટણી પછી તેમની તબિયત લથડતાં તેમનો કોરોના ટેસ્ટ કરાયો હતો જે પોઝિટિવ આવ્યો હતો.