પૃથ્વીની ગતિ અને દિશા સાથે તાલમેલ જાળવતી આદિવાસીઓની ‘ઊંધી’ ઘડિયાળ

Thursday 12th August 2021 04:29 EDT
 
 

શહેરા: નવમી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની રંગેચંગે ઉજવણી થઇ તે પ્રસંગે આ ધરતીપુત્રોની અનોખી ‘ઊંધી’ ઘડિયાળ ફરી એક વખત સમાચારમાં છે. વિશ્વની તમામ ઘડિયાળો એક જ દિશામાં ચાલે છે. આપણે તમામ ઘડિયાળના કાંટાને ડાબેથી જમણે ચાલતા જોઇએ છીએ, પરંતુ આદિવાસીઓની ઘડિયાળ
ઉંધી દિશામાં ચાલે છે, અને આમ છતાં સમય સાચો બતાવે છે.
આદિવાસી સમાજ આજે પણ પોતાની પ્રકૃતિ સાથે તાલમેલ જાળવવાની પરંપરા ભૂલ્યો નથી અને પોતાના તમામ કાર્યો જમણેથી ડાબી તરફ કરી રહ્યા છે. આ જ રીતે પંચમહાલ જિલ્લામાં આદિવાસી સમુદાયના લોકોના ઘરોમાં પ્રવેશ કરીએ ત્યારે દીવાલ પર અલગ જ પ્રકારની ઘડિયાળો જોવા મળે છે. સમય જોવા માટે આદિવાસી સમાજે બનાવેલી ઘડિયાળ એવી છે જે જમણેથી ડાબી તરફ ફરે છે અને સમય પણ સાચો દર્શાવે છે. બિરસા મુંડાના ફોટોવાળી આ ઘડિયાળ દુનિયાની અન્ય ઘડિયાળ કરતાં અલગ જ છે. બિરસા મુંડા આદિવાસી સમાજમાં આદરણીય મનાય છે, જેથી તેમનો ફોટો અંદર રખાયો છે. આદિવાસી સમાજના મોટાભાગના ઘરોમાં આ ઘડિયાળ જોવા મળે છે.
આદિવાસી સમાજ પ્રકૃતિ પૂજક છે અને વર્ષોથી તે પ્રકૃતિની પૂજા કરતો આવ્યા છે. આદિવાસી સમુદાયના મતે બ્રહ્માંડમાં સૂર્યની આસપાસ ફરતા પૃથ્વી સહિતના અન્ય ગ્રહો જમણેથી ડાબી તરફ ફરે છે. ફૂલ-ઝાડની વેલ જમણેથી ડાબી તરફ વધે છે, પૃથ્વી પણ પોતાની ધરી પર જમણેથી ડાબે ફરે છે. વિજ્ઞાનના ઈલેક્ટ્રોન પણ અણુની ચારે તરફ જમણેથી ડાબી તરફ ખેંચાય છે. આ માન્યતાને ધ્યાનમાં રાખીને આદિવાસીઓ તેમના કાર્યોને અનુસરે છે. હાથે ફેરવવામાં આવતી અનાજ દળવાની ઘંટી પણ જમણી તરફથી ફેરવીને અનાજ દળે છે. તો લગ્નના ફેરા પણ જમણેથી ડાબી તરફથી ફરે છે. આદિવાસી સમાજના મતે આ દિશા જ સાચી દિશા છે એટલે સમય જાણવા માટે તેમની ઘડિયાળ પણ જમણેથી ડાબે ચાલે છે અને આ ઘડિયાળને પણ શુકનવંતી સમજવામાં આવે છે અને આદિવાસી સમુદાયની ઓળખ પણ માનવામાં આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter