ગાંધીનગરઃ કોરોના મહામારી વચ્ચે ગુજરાતમાં ગઢડા, અબડાસા, મોરબી, લીમડી, ધારી, કરજણ, કપરાડા અને ડાંગ એમ વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠક માટે પેટા ચૂંટણી યોજાઈ હતી. આ પેટા ચૂંટણીમાં આઠેય બેઠકો પર ભાજપનો વિજય થયો છે. ભાજપની જીત સાથે જ ભાજપ કાર્યાલય - કમલમમાં જશ્નનો માહોલ હતો. કોંગ્રેસને મળેલી કારમી હાર કોંગ્રેસના ઉમેદવારોએ સ્વીકારી લીધી હતી. આ આઠ બેઠકો પર ભાજપને ૫૫ ટકા મત મળ્યા છે જ્યારે કોંગ્રેસને માત્ર ૩૪.૪ ટકા જ મત મળ્યા છે. આઠેય બેઠકો પર કુલ ૮.૪૬ ટકા મત અન્ય ઉમેદવારોને જ્યારે ૨.૧૬ ટકા મત નોટામાં પડ્યા છે. પેટા ચૂંટણીમાં અપક્ષ અને નોટાને ૧૨ હજાર મત મળ્યા હતા. રાજકીય વિશેષજ્ઞોએ જણાવ્યું હતું કે, અપક્ષ ઉમેદવારોએ કોંગ્રેસની બાજી બગાડી હોવાનું અનુમાન છે.
કઈ કઈ બેઠકો પર કેટલા વોટથી જીત?
મોરબી, અબડાસા, ગઢડા, કરજણ અને લીંબડી બેઠક પર ભાજપની જીત મંગળવારે બપોર સુધીમાં જ જાહેર થઈ હતી જ્યારે ધારી, કપરાડા અને ડાંગ બેઠકમાં ભાજપ જીતની નજીક હોવાનું ત્યારે જણાવાયું હતું. જોકે અંતે આ બેઠકો પર પણ ભાજપનો વિજય થયો હતો.
અબડાસામાં પ્રદ્યુમનસિંહ
આ પેટા ચૂંટણી જંગમાં અબડાસામાં પ્રદ્યુમનસિંહ જાડેજાનો ૩૬ હજારથી વધુ મત અને કરજણમાં અક્ષય પટેલનો ૧૬ હજારથી વધુ મત સાથે વિજય થયો હતો. અબડાસા બેઠક પર ૧૦ ઉમેદવારો પૈકીના ભાજપના પ્રદ્યુમનસિંહ જાડેજાએ શરૂઆતથી લીડ બનાવી રાખી હતી અને તેમને ૭૧૦૬૦ મત મળ્યા હતા. તેઓને અહીંથી ૪૯.૩ ટકા મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના ડો. શાંતિલાલ સેંઘાણીને અપક્ષ ઉમેદવાર હનીફ બાવા પડિયારે ટક્કર આપતાં કોંગ્રેસ કરતા એક સમયે અપક્ષ ઉમેદવારને વધારે મત મળવા લાગ્યા હતા.
કરજણમાં ૨૨૬૨ નોટા
કરજણ બેઠકે ભાજપના ઉમેદવાર અક્ષય પટેલનો ૧૬૪૦૯ મતથી વિજય થયો હતો. ભાજપના ઉમેદવાર અક્ષય પટેલને ૭૬૮૩૧ મત અને કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાને ૬૦૪૨૨ મત મળ્યા હતા. જોકે, ૧૫થી ૧૮ રાઉન્ડ સુધીમાં ભાજપના ઉમેદવારની લીડમાં ૫૮૬૧ મતનો ઘટાડો થયો હતો. ૧૯થી ૨૯માં રાઉન્ડમાં ભાજપની લીડમાં ૧૦૮૦૮ મતની લીડ વધી હતી, જેથી કોંગ્રેસી ઉમેદવાર હાર સ્વીકારીને મતગણતરી કેન્દ્રમાંથી બહાર નીકળી ગયા હતા.
કરજણ બેઠક પર ૨૨૬૨ મતદારોએ નોટા એટલે કે નોન ઓફ ધ અબોવનું બટન દબાવીને કોઇ પણ ઉમેદવારને પસંદ કર્યો નહોતો અને બાકીના ૭ ઉમેદવારને તો એક હજાર કરતાં પણ ઓછા મત મળ્યા હતા. એટલે કે ૭ ઉમેદવારને નોટા કરતા અડધા મત પણ મળ્યા નહોતા. કરજણમાં રાષ્ટ્રીય જનક્રાંતિ પાર્ટી, ભારતીય ટ્રાઇબલ પાર્ટી અને ૫ અપક્ષ ઉમેદવારને એક હજારથી ઓછા મત મળ્યા હતા.
મોરબીમાં બ્રિજેશ મેરજા
મોરબીમાં ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાને ૬૩૯૫૯ અને કોંગ્રેસના ઉમેદવાર જયંતી પટેલને ૫૯૫૯૫ મત મળ્યા હતા. બ્રિજેશ મેરજા ૪૩૫૪ મતથી વિજેતા થયા હતા. મોરબી બેઠક પર સાંસદ મોહન કુંડારીયા કિંગમેકર બન્યા હતા.
લીંબડીમાં કિરીટસિંહ રાણા
લીંબડી વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણાને ૮૮૧૩૧ મત મળ્યા હતા. આ સાથે જ કિરીટસિંહે અગાઉ ભવાન ભરવાડ સામે મળેલી હારનો બદલો વાળીને રેકોર્ડ તોડ્યો છે. કિરીટસિંહ રાણાને આ વખતે ૫૫.૯૧ ટકા મત મળ્યા છે. અહીં કોંગ્રેસના ધારાસભ્ય સોમા ગાંડા પટેલે રાજીનામું આપી દેતાં ચૂંટણી યોજાઈ હતી. કિરીટસિંહની મત ગણતરી જોતાં પહેલેથી જ તેમની જીત નિશ્ચિત ગણાતી હતી. ધારીમાં ભાજપના ઉમેદવાર જે. વી. કાકડિયાએ અને ગઢડામાં પણ ભાજપી ઉમેદવાર આત્મારામ પરમારની જીત બપોરથી નિશ્ચિત થઈ હતી.
ગઢડામાં આત્મારામ પરમાર
ગઢડામાં ભાજપના ઉમેદવાર આત્મારામ પરમારને ૭૦૩૬૭ અને કોંગ્રેસના ઉમેદવાર મોહન સોલંકીને ૪૮૦૮૭ મત મળ્યા હતા. ગઢડાના કોંગ્રેસના ઉમેદવાર મોહન સોલંકીએ મત ગણતરી કેન્દ્ર છોડી જણાવ્યું હતું કે, લોક ચુકાદો આવી રહ્યો છે. જનતાનો મત એ અમારો મત છે. ભાજપના કામ જોઈને મતદારોએ ભાજપને મત આપ્યા હશે, પણ કોંગ્રસની આ હાર નહીં પણ જીત છે. ભાજપે તોડજોડ કરી જીત મેળવી છે.
ડાંગ- કપરડામાં એડીચોટીનું જોર
કપરાડા-ડાંગ મતગણતરી સવારે ૮ વાગ્યાથી શરૂ થઈ હતી. જેમાં પહેલા રાઉન્ડથી ડાંગ અને કપરાડા બંને બેઠક પર ભાજપ આગળ હતું. કપરાડામાં ભાજપના ઉમેદવાર જીતુ ચૌધરીની ૪૬૮૦૧ મતથી અને ડાંગમાં ભાજપના ઉમેદવાર વિજય પટેલની ૬૦૦૯૫ મતે જીત થઈ છે. ડાંગના કોંગ્રેસના ઉમેદવારે ભાજપ જીતમાં દેખાતાં મતગણતરી કેન્દ્ર છોડી દીધું હતું. ભાજપ અને કોંગ્રેસ દ્વારા આ બેઠકો પર એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું. જેથી કપરાડામાં ભાજપને ૧૧૨૩૫૭ અને કોંગ્રેસને ૬૫૫૫૬ મત મળ્યા હતા. ડાંગમાં ભાજપને ૯૪૦૦૬ અને કોંગ્રેસને ૩૩૯૧૧ મત મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, કપરાડામાં ૪ ઉમેદવાર હતા અને ડાંગમાં ૯ ઉમેદવાર હતા.
ભાજપ કાર્યાલયે વિજયોત્સવ
પેટા ચૂંટણીના પરિણામોમાં આઠમાંથી ૬ બેઠકો પર ભાજપની જીત નક્કી થતાં જ ભાજપ કાર્યાલયે વિજયોત્સવનો માહોલ હતો. ગુજરાતની તમામ ૮ બેઠકો પર ભગવો લહેરાયા પછી કમલમમાં જશ્ન થયો હતો. ઉલ્લેખનીય છે કે, ચૂંટણીના પરિણામ જાહેર થાય તે પહેલાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલ ગાંધીનગર કમલમ પહોંચ્યા હતા. નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ અને શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા પણ કમલમમાં ઉપસ્થિત હતા અને કાર્યકરો સાથે વિજયની ઉજવણી કરી હતી. રૂપાણી અને પાટિલે જણાવ્યું હતું કે, આ ગુજરાતની જનતાનો વિજય છે. પેટા ચૂંટણીના પરિણામ માટે મુખ્ય પ્રધાને જનતાનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું કે, કોર્પોરેશન, પંચાયતની ચૂંટણીઓ પહેલાં અને ૨૦૨૨ની ચૂંટણી પહેલાંનું આ ટ્રેલર છે. કોંગ્રેસનો સંપૂર્ણ રકાસ થયો છે. ડાંગના ઈતિહાસમાં સૌથી મોટી સરસાઈ છે.
હાર અને જીત થયા કરે
આ પેટા ચૂંટણીમાં કોંગ્રેસની હાર પછી વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ ટ્વિટ કરીને હાર સ્વીકારી હતી. એ પછી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ પરાજયનો સ્વીકાર કર્યો હતો. કોંગ્રેસ ભવને અમિત ચાવડાએ કહ્યું કે, ભાજપની સત્તા લાલસાના કારણે કોરોના કાળમાં આ પેટા ચૂંટણી આવી છે. રાજ્યના લોકો મંદી, મોંઘવારી, ભ્રષ્ટાચાર અને બેરોજગારીથી ત્રસ્ત છે. કોરોના મહામારીમાં સરકારની નિષ્ફળતાથી લોકોમાં આક્રોશ છે ત્યારે આઠેય વિસ્તારમાં જે લોકોએ જનાદેશનું અપમાન કર્યું, પ્રજા સાથે વિશ્વાસઘાત કર્યો એવા લોકોને પ્રજા સબક શીખવાડશે એવી અપેક્ષા હતી. લોકશાહીમાં ભાજપની સામ, દામ, દંડની નીતિની સત્તા અને પૈસાના દુરુપયોગ સામે પ્રજા આક્રોશમાં મતદાન કરશે એવું વિચાર્યું હતું, પણ જે લોકોએ ગદ્દારી કરી એ લોકોનો જ વિજય થયો.
અમિત ચાવડાએ ઉમેર્યું હતું કે આપણે સૌએ સ્વીકારવું પડે કે લોકશાહીમાં જનતા સર્વોપરી છે અને આ પેટા ચૂંટણીમાં જનતાએ જે પણ જનાદેશ આપ્યો છે એનો અમે આદર સાથે સ્વીકાર કરીએ છીએ. પ્રજાનો આક્રોશ અને અમારા કાર્યકરોની મહેનતને અમે મતમાં કેમ પરિવર્તિત ના કરી શક્યા એના કારણોનો અભ્યાસ પણ કરીશું. ખામીઓ રહી છે તેમાં સુધારો કરીને આગળ પણ વધીશું. અમિત ચાવડાએ કોંગ્રેસના કાર્યકરોને કહ્યું હતું કે, સહેજ પણ નિરાશ થવાની જરૂર નથી જાહેર જીવનમાં ચૂંટણીઓમાં હાર જીત થયા કરે.
અમારી ઉણપનો અરિસો
ચૂંટણી પરિણામો જાહેર થતાંની સાથે જ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, આ પરિણામ અમારી ઉણપનો અરિસો છે. ધાનાણીએ ટ્વિટર પર કવિતા લખીને ચૂંટણીમાં હારનો સ્વીકાર કર્યો હતો. તેમણે મુખ્ય પ્રધાન રૂપાણી તથા ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલને અભિનંદન પાઠવ્યાં હતાં. તેમના કહેવા પ્રમાણે, આ ચૂંટણીજંગમાં મોંઘવારી, મંદી અને બેરોજગારી જેવા મુદ્દા હારી ગયા હતા. કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ હાર્દિક પટેલે પણ ચૂંટણીના પરિણામો પછી ટ્વિટ કરીને ચૂંટણીમાં પરાજયનો સ્વીકાર કર્યો હતો. હાર્દિક પટેલે ટ્વિટર પર લખ્યું કે, જીવીશ ત્યાં સુધી કોંગ્રેસમાં રહીશ, હાર-જીતને લીધે પલ્લું વેપારીઓ બદલતા હોય છે, વિચારધારાના અનુયાયી નહીં, લડીશ, જીતીશ અને છેલ્લા શ્વાસ સુધી કોંગ્રેસમાં રહીશ.