અમદાવાદઃ હાઈકોર્ટમાં સોમવારે બપોરે ૨.૩૦ વાગ્યે મુખ્ય ન્યાયાધીશના કોર્ટ રૂમમાં સુરતનો વકીલ કિશોર અગ્રવાલ ડ્રેસકોડમાં ભડભડ સળગતી હાલતમાં ધસી આવ્યો હતો. આ ઘટનાથી હાજર સૌ સ્તબ્ધ બન્યા હતા તો બીજી તરફ હાઈ સિક્યોરિટી ઝોનમાં આવતી હાઈકોર્ટમાં સુરક્ષાવ્યવસ્થા સામે પ્રશ્નાર્થ ઊભો થયો હતો. આ ઘટનાની તપાસમાં જાણવા મળ્યું કે, કિશોરે ‘નૂરી પરિવાર’ સંસ્થા બનાવીને મકાન, વીમા પોલિસી, પેન્શન, બેન્ક લોન, મનરેગા યોજનાના લાભની લાલચ હજારો ગરીબ મહિલાઓને આપીને તેમની સાથે રૂ. ૫૦ હજાર સુધીની છેતરપિંડી કરી હતી. કિશોરની સામે ફરિયાદ નોંધાતાં તેણે ક્વોશિંગ પિટિશન કરી હતી.
દરમિયાન કિશોરે ફોન કરીને ઠગાઈનો ભોગ બનેલા કોકિલાબહેનને તમામ મહિલાઓને લઈને ૨૧મી માર્ચે સવારે હાઈકોર્ટ બોલાવ્યાં હતાં. ૧૫૦ મહિલાઓ સહિત કોકિલાબહેન સવારે ૧૧.૦૦ વાગે પહોંચ્યા પછી બપોરે ૨.૩૦ વાગ્યા સુધી બધી સ્ત્રીઓને કિશોરે જુદી જુદી અદાલતોમાં આંટાફેરા કરાવ્યાં હતાં. આખરે ૨.૩૦ વાગ્યે કોઈ ઉકેલ ન આવતાં મહિલાઓએ કિશોરને સવાલો કરતાં કિશોરે પોતાના પર જ્વલનશીલ પ્રવાહી છાંટીને આગ ચાંપી દીધી હતી.
ઘટના બાદ પોલીસે ભોંયરામાં સીડી અને લાઇબ્રેરી વચ્ચે પાણીની નાની બે બોટલ જપ્ત કરી હતી. જેમાં પેટ્રોલ હોવાનું મનાય છે.
એક હજાર મહિલા શિકાર બની છેઃ કોકિલાબહેન
ગૃહિણી કોકીલાબહેને કહ્યું કે મારા પતિ જીઆઇડીસીમાં નોકરીએ જાય છે. માંડ માંડ ભેગા કરેલા રૂપિયા કિશોરને આપ્યા હતા અને તેના બદલે તેણે અમને અનેક લાલ આપી હતી. અમદાવાદ શહેરની જ એક હજાર જેટલી મહિલા તેની છેતરપિંડીનો શિકાર બની છે. તેણે સળગતું ગાઉન અમારા ઉપર ફેંક્યું અને સીધો ઉપર દોડી ગયો હતો.

