લેન્કેસ્ટરઃ પેન્સિલવેનિયામાં એક ગમખ્વાર કાર દુર્ઘટનામાં બે ભારતીય વિદ્યાર્થીના કરુણ મોત થયા છે. મૃતકો પૈકી એક માનવ પટેલ ગુજરાતનો વતની હોવાનું મનાય છે. જ્યારે બીજા વિદ્યાર્થીનું નામ સૌરવ પ્રભારકર છે. પોલીસ અધિકારીના કહેવા મુજબ શનિવારે સવારે દુર્ઘટના બની હતી. તેમની કાર એક વૃક્ષ સાથે ટકરાયા પછી પુલ સાથે અથડાઈ હતી. જેમાં આગળની સીટ પર બેઠેલો એક અન્ય યાત્રી ઘાયલ થયો હતો અને તેને સ્થાનિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. આ કાર દુર્ઘટનામાં સોરવ અને માનવના મોત થયા છે.
ન્યૂ યોર્ક સ્થિત ભારતીય કોન્સ્યુલેટ જનરલે કહ્યું કે, ક્લીવલેન્ડ સ્ટેટ યુનિવર્સિટીના બે ભારતીય વિદ્યાર્થી - માનવ પટેલ (20) અને સૌરવ પ્રભાકર(23)નું કાર દુર્ઘટનામાં મોત થયું તે જાણીને દુઃખ થયું છે. દૂતાવાસ પીડિત પરિવારોના સંપર્કમાં છે અને તેમને શક્ય મદદનું આશ્વાસન આપ્યું છે.
મીડિયા રિપોર્ટ મુજબ શનિવારે સવારે 7 કલાકે બ્રેકનોક ટાઉનશીપમાં પેન્સિલવેનિયા ટોલગેટ પર આ વાહન દુર્ઘટના બની હતી. લેન્કેસ્ટર કાઉન્ટી કોરોનરની ઓફિસ અને પેન્સિલવેનિયા સ્ટેટ પોલીસના કહેવા મુજબ માનવ પટેલ અને સૌરવ પ્રભારકના મોત તેમની કાર વૃક્ષથી ટકરાઈ અને પછી પુલ સાથે ટકરાવાથી થયા છે. પ્રભાકર કાર ચલાવી રહ્યો હતો. પોલીસના કહેવા મુજબ, બંને વિદ્યાર્થીના ઘટનાસ્થળ પર જ મોત થયા છે. પોલીસે આ બંનેના મોતને આકસ્મિક માનીને તપાસ શરૂ કરી છે.