ગાંધીનગરઃ ગૌણ સેવા પસંદગી મંડળે ૧૭મી નવેમ્બરે યોજેલી બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની ભરતી પરીક્ષાનું પેપર લીક થયાનું ગુજરાત સરકારે છેવટે સ્વીકાર્યું છે. એક મહિનાના અંતે પરીક્ષા રદ કરવા સંદર્ભે ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ સીટના પ્રાથમિક તારણોને આધારે મુખ્ય પ્રધાન સ્તરેથી નિર્ણય લેવાયનું જાહેર કર્યું હતુ. સોમવારે મોડી સાંજે સચિવાલયથી આ નિર્ણયની જાહેરાત થતાં ૧૫ દિવસથી આંદોલન કરનારા લાખો યુવા ઉમદેવારોએ રાજ્યભરમાં ફટાકટા ફોડીને ઉજાણી કરી હતી. ૧૭ નવેમ્બરે રદ થયેલી પરીક્ષા ધોરણ-૧૨ પાસની હાલની લાયકાત અને નવી વ્યવસ્થાઓ સાથે ફરીથી યોજાશે.

