પેરા ઓલિમ્પિક્સ સ્વિમિંગમાં પાંચમો ક્રમ મેળવતો જિગર ઠક્કર

Wednesday 16th August 2017 11:00 EDT
 
 

રાજકોટઃ ૧૯ વર્ષીય વિકલાંગ યુવાન જિગર ઠક્કર માટે કોશિશ કરનેવાલોં કી હાર નહીં હોતી કહેવત બંધ બેસે છે. તાજેતરમાં બર્લિનમાં યોજાયેલી પેરા ઓલિમ્પિક્સ સ્વિમિંગ સ્પર્ધામાં જિગરે ભારતનું પ્રતિનિધિત્વ કરતાં પાંચમો ક્રમ મેળવ્યો છે. અત્યાર સુધીમાં સ્વિમિંગમાં ૧૦થી વધુ ગોલ્ડમેડલ તેણે મેળવ્યા છે. આ યુવાન અધૂરા મહિને જન્મતાંવેંત સેરેબ્રલ પાલ્સીનો ભોગ બન્યો હતો. આ રોગને કારણે એ હલનચલન પણ કરી શકતો નહોતો. માતા-પિતાએ ડોક્ટરની સલાહ લઈને એની ફિઝિયોથેરાપિસ્ટ પાસે સઘન સારવાર કરાવી હતી. નિયમિત કસરત કરતો હોવાથી એના સ્નાયુબળમાં તાકાત આવતી ગઈ.
જિગર કહે છે કે મને નાનપણથી જ સ્વિમિંગનો શોખ હતો. મારે આ ક્ષેત્રમાં કંઈક કરીને બતાવવું હતું. આમ તો આવી ખામીવાળા લોકો મનથી હારી જતા હોય છે, પણ જો તમે તમારું મન મક્કમ બનાવો-રાખો તો કોઈ જ ખામી તમને રોકી નહીં શકે. ઘણી વાર સ્વિમિંગ કરતી વખતે પાણીમાં માથું ડુબાડી દેતો અને પાણી પી જતો તેમ છતાં મેં નિર્ણય કર્યો હતો કે પ્રેક્ટિસ ન છોડવી.
જિગરે સખત મહેનત કરીને એક વર્ષમાં કલ્પી ન શકાય એ રીતે સ્વિમિંગમાં નિપુણતા મેળવી લીધી હતી. જિગરે ૨૦૧૧થી સ્થાનિક લેવલથી માંડીને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની તરણસ્પર્ધામાં રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ૧૦થી વધુ ગોલ્ડ, એક સિલ્વર, એક બ્રોન્ઝ અને ૩૦થી વધુ મેડલ મેળવ્યા છે. જિગર સ્વિમિંગ સ્પર્ધામાં જ્વલંત સફળતા મેળવવાની સાથે શિક્ષણમાં પણ તેજ છે. ધોરણ-૧૨ની પરીક્ષા એણે ૭૦ ટકા સાથે પાસ કરી છે.
જિગર કહે છે કે દેશમાં ઘણી સ્પર્ધામાં ભાગ લઈને સારો દેખાવ કર્યો છે, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત તરફથી ભાગ લેવાનું સપનું ઘણા સમયથી જોયું હતું, જે હવે સાકાર થયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter