અમદાવાદઃ વિશ્વભરમાં વાયરલ ગેમ પોકેમોનનું ઘેલું હવે ગુજરાતમાં પણ અસર દેખાડવા લાગ્યું છે. અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા એક વેપારીનો પુત્ર પોકેમોન શોધવા ગાંધીનગરના કેટલાક ઘરમાં ઘૂસી જતાં પોલીસ બોલાવાઈ હતી. હદની વાત તો એ છે કે પોકેમોન પાછળ પાગલ બનેલો ૨૫ વર્ષનો યુવક ૩૦ કલાકથી ઊંઘ્યો નહોતો. સેક્ટર-૨૧ પોલીસે આખરે યુવકને તેના પિતાને બોલાવીને સોંપ્યો હતો. યુવાન વયે મોબાઈલમાં ગેમ પાછળની દોટ સમજાવટથી અટકાવવા પોલીસે પિતાને સમજ આપી હતી.
૨૬મી જુલાઈએ બપોરે ગાંધીનગર સેક્ટર-૩૦ના એક ઘરમાં યુવક ઘૂસી ગયો હતો. લોકોએ તેની પૂછપરછ કરી પણ જવાબ ન મળતાં ઘરની બહાર કાઢ્યો હતો તો કોઈ અસર ન હોય તેમ યુવક બાજુના ઘરમાં ઘૂસ્યો હતો. બે-બે સ્માર્ટ ફોન સાથે ફરી રહેલા યુવકની આસપાસ લોકોના ટોળાં એકત્ર થયા હતા. કોઈએ ફોન કરતાં સેક્ટર-૨૧ પોલીસ સ્ટેશનના પીઆઈ મિની જોસેફ અને ટીમ સ્થળ ઉપર પહોંચી હતી.
પોલીસે તપાસ કરતાં વિગત જાણવા મળી કે નરોડામાં રહેતા વેપારીનો પુત્ર ૨૫મીએ આખી રાત અમદાવાદમાં પોકેમોન શોધતો રઝળપાટ કરતો હતો. સવારે સાત વાગ્યે ઘરે જઈને નહાઈને ફ્રેશ થયેલો યુવક ગાંધીનગર પહોંચી ગયો. ત્યાં ફરીને તેણે પોકેમોનની શોધખોળ શરૂ કરી હતી.


