પોપ્યુલર બિલ્ડર્સ પાસેથી રૂ. ૭૭ લાખ, રૂ. ૮૨ લાખના દાગીના અને રૂ. ૨૨ બેંક લોકર મળ્યાં

Tuesday 13th October 2020 17:11 EDT
 
 

અમદાવાદ: પોપ્યુલર બિલ્ડર્સ ગ્રૂપને ત્યાં આઈટીના અધિકારીઓએ ૮મી ઓક્ટોબરથી શરૂ કરેલા દરોડા રવિવારે રાતે પૂરા થયા હતા. આ દરોડા દરમિયાન આઈટીએ રૂ. ૭૭ લાખ રોકડા, રૂ. ૮૨ લાખના દાગીના, ૨૨ બેંક લોકર કો-ઓપરેટિવ સોસાયટીમાં રાખેલી બેનામી સંપત્તિના દસ્તાવેજ સહિતના ગેરકાયદે આર્થિક વ્યવહારોની તપાસ કરી છે. આ ઉપરાંત ગ્રૂપના વિશ્વાસુ ભરત પટેલને ત્યાં પણ આઈટી દ્વારા સોમવાર મોડી રાત સુધી દરોડાની કાર્યવાહી ચાલુ હતી. ભરત પટેલને ત્યાંથી જૂના હિસાબોની કાચી ચિઠ્ઠી મળી આવ્યા હતા. જેમાં પોપ્યુલર ગ્રૂપની ખેડૂતો, ડ્રાઇવર, નોકર અને સંબંધીને નામે પ્રોપર્ટીઓ હોવાનું બહાર આવ્યું હતું. આ ઉપરાંત ૧૩ સોસાયટીના નામે બેનામી સંપત્તિના દસ્તાવેજો, કાંકરિયા મણિનગર કો-ઓપરેટિવ બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેંક, સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ અને અમદાવાદ ડિસ્ટ્રિકટ કો-ઓપરેટિવ સહિત ૫૫ બેંકોની કોરી સહી કરેલી ચેકબુક મળી આવી હતી.
PPE કિટ પહેરી આઈટી અધિકારીઓ ત્રાટક્યા
લાંબા સમય પછી ઈન્કમટેક્સ વિભાગે પોપ્યુલર ગ્રૂપના રમણ પટેલ, તેમના ભાઈ દશરથ પટેલ સહિત ૧૩ લોકોના ૧૮ રહેઠાણ અને ૬ ઓફિસ મળી ૨૪ સ્થળે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અમદાવાદ ઉપરાંત રાજકોટ, સુરત, વડોદરાના ૧૫૦થી વધુ ઈન્કમટેક્સ અધિકારી આઠમી ઓક્ટોબરે સવારે ૬ વાગ્યાથી ત્રાટક્યા હતા. પહેલી વખત ઈન્કમટેક્સ અધિકારીઓએ પીપીઈ કિટ પહેરીને દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter