પોરબંદર, જામનગર, ભાવનગર એરપોર્ટની હવાઈપટ્ટીઓ તૈયાર

Wednesday 07th September 2016 07:28 EDT
 
 

ગાંધીનગરઃ એર પોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ચેરમેન ડો. ગુરુપ્રસાદ મહાપાત્રાએ ગાંધીનગરમાં મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાતની ૧૧ હવાઈપટ્ટીઓ વિકસાવવા માટે પ્રયાસો શરૂ થઈ ગયા છે તે પૈકી જામનગર, ભાવનગર અને પોરબંદરની હવાઈપટ્ટીઓ તૈયાર થઈ ચૂકી છે અને ખાનગી એરલાઈન્સ સેવા શરૂ થઈ શકે તેમ છે. આ ઉપરાંત અન્ય બે હવાઈપટ્ટીઓ કેશોદ અને ડીસા થોડા ઘણા ખર્ચથી ટૂંક સમયમાં જ તૈયાર થઈ શકે છે.
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન અશોક ગણપતિ રાજુએ જણાવ્યું હતું કે, પ્રાદેશિક એર કનેક્ટિવિટી માટે ૩-૪ ખાનગી એરલાઈન્સ સાથે વાટાઘાટો ચાલુ છે. આ એરલાઈન્સની સેવા ત્યારે શરૂ થઈ શકે જ્યારે એમને પ્રોત્સાહન મળે. કેન્દ્ર સરકારને નિસબત છે ત્યાં સુધી આવી એરલાઈન્સને એર-ટર્બાઈન ફ્યુઅલ કે જે ખર્ચમાં ૪૦ ટકા જેટલો હિસ્સો ધરાવે છે તે એમને સસ્તુ મળે તે માટે કેન્દ્ર સરકાર એક્સાઈઝ ઘટાડવા તૈયાર છે. સાથોસાથ બે-ત્રણ વર્ષ માટે સબસિડી પણ અપાશે. ગુજરાતે આવી એરલાઈન્સ માટે પ્રોત્સાહનરૂપે એટીએફ ઉપરનો વેટ ઘટાડવો જોઈએ.
૧૧ હવાઈપટ્ટી માટે એમઓયુ
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયની રિજિનલ કનેક્ટિવિટી સ્કીમ હેઠળ કેન્દ્રના ૮૦ ટકા અને રાજ્યના ૨૦ ટકા ખર્ચના ધોરણે ભાવનગર, ભુજ, જામનગર, સુરત, પોરબંદર, મહેસાણા, માંડવી, અમરેલી, કંડલા, કેશોદ અને ડીસાની હવાઈપટ્ટીઓ વિકસાવવા માટે મુખ્ય પ્રધાન રૂપાણી તથા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાનની ઉપસ્થિતિમાં એમઓયુ થયા હતા. તેમજ ધોલેરા એરપોર્ટને પીપીપી ધોરણે વિકસાવવા માટે પણ ચર્ચા થઈ હતી.
અમદાવાદનો રન વે ખૂલ્યો
અમદાવાદ એર પોર્ટના રન વેનું રિકાર્પેટિંગ વર્ષની શરૂઆતથી શરૂ કરાયું હતું. જેના પગલે એક વર્ષ સુધી એર પોર્ટ પર વિમાનોની અવર જવર માટે સવારે ૧૦થી સાંજે ૬ વાગ્યા સુધી હવાઈ મથક બંધ હતું. જોકે એર પોર્ટ ઓથોરિટીની ઝડપી કાર્યવાહીથી કામગીરી પાંચ મહિનામાં પૂર્ણ કરી લેવાઈ છે. પહેલી સપ્ટેમ્બરથી જ રન વે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. જોકે હાલ વિમાનોનું સમર શિડ્યૂલ અમલમાં હોવાથી ૩૦ સપ્ટેમ્બર સુધી વિમાનો હાલના ટાઈમ ટેબલ મુજબ અવર જવર કરશે અને પહેલી ઓક્ટોબરથી વિન્ટર શિડ્યૂલ અમલમાં આવશે. જાન્યુઆરીમાં યોજાનાર વાઈબ્રન્ટ સમિટ દરમિયાન દેશવિદેશથી મહાનુભાવોનું આગમન થવાનું હોવાથી એરપોર્ટના રન વેનું કામ વહેલું પૂરું કરાયાની વાતો હાલમાં ચર્ચામાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter