પોલીસ અત્યાચારનો ભોગ બનેલા સુરેશ પટેલને ૧.૭૫ મિલિયન ડોલરનું વળતર

Wednesday 26th May 2021 08:02 EDT
 
 

અલાબામા (યુએસ): ભારતીય અમેરિકન દાદાજી સુરેશભાઈ પટેલને ૨૦૧૫માં મેડિસન અલાબામા પોલીસ ઓફિસરો દ્વારા કરાયેલા હુમલામાં ગંભીર ઈજા પહોંચી હતી. યુએસ કોર્ટમાં દાખલ થયેલા કેસમાં સુરેશભાઈને સમાધાન તરીકે ૧.૭૫ મિલિયન ડોલરનું વળતર જાહેર કરાયું છે.
વરિષ્ઠ ભારતીય અમેરિકન નાગરિક સુરેશભાઈ પટેલ પોતાના પ્રથમ ગ્રાન્ડ ચાઈલ્ડના જન્મ નિમિત્તે ૨૦૧૫ના જાન્યુઆરીમાં અમેરિકાની મુલાકાતે આવ્યા હતા.
૧૧ દિવસ પછી ૬ ફેબ્રુઆરીએ મેડિસન, અલાબામા પોલીસના બે અધિકારીએ તેમના પર હુમલો કર્યો હતો અને સુરેશભાઈને ગંભીર ઈજા પહોંચી હતી. મેડિસન સિટી અને બે પોલિસ અધિકારી સામે કરાયેલી કોર્ટ કાર્યવાહીમાં તેમને ૧.૭૫ મિલિયન ડોલરનું વળતર જાહેર કરાયું છે.
સુરેશભાઈ પટેલ ફરવા નીકળ્યા હતા ત્યારે એક પડોશીએ પાતળી કાળી વ્યક્તિ પડોશમાં ફરી રહી છે અને લોકોના ગેરેજમાં જોયા કરે છે તેવો ફોન કરતા પોલીસ આવી પહોંચી હતી.
સુરેશભાઇ પટેલની ધરપકડ કર્યા પહેલા તેમણે માર માર્યો હતો અને જમીન પર પટકી દીધા હતા. કેસના સઘન કવરેજમાં જાણવા મળ્યું હતું કે સુરેશભાઇએ પોતે અંગ્રેજી નહિ જાણતા હોવાનું ઓફિસર ટ્રેઈની એરિક પાર્કરને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો હતો.
જમીન પર પડી જવાથી ૫૭ વર્ષના સુરેશભાઈને પક્ષાઘાતની અસર થઈ હતી અને થોડા દિવસ હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું. તેમના પુત્ર ચિરાગ પટેલે ‘ઈન્ડિયા વેસ્ટ’ને ૨૦૧૫માં જણાવ્યું હતું તે પ્રમાણે તેમના પિતા વોકરની મદદ વિના ચાલી શકે તેમ લાગતું નથી. યુએસમાં આવ્યે થોડા દિવસ જ થયા હોવાથી તેમણે હેલ્થ ઈન્સ્યુરન્સ લીધો ન હોવાના પરિણામે હજારો ડોલરના મેડિકલ બિલ્સનો બોજો આવ્યો હતો.
ઓફિસર ટ્રેઇની એરિક પાર્કર સામે સુરેશભાઈ પટેલના નાગરિક અધિકારોના ભંગ અને વધુપડતા બળપ્રયોગના આરોપો લગાવાયા હતા.
જોકે, તેને ઘણી ટ્રાયલ્સ પછી આરોપોમાંથી મુક્ત કરાયો હતો અને ૨૦૧૬માં ફરી મેડિસન પોલીસ વિભાગમાં ફરજ પર લઇ લેવામાં આવ્યો હતો.આ દરમિયાન ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૫ના રોજ ઘટના સંદર્ભે સિવિલ સ્યૂટ ફાઈલ કરવામાં આવી હતી. કોર્ટે મે ૨૦૨૦માં ચુકાદો આપ્યો હતો કે સુરેશભાઇ પટેલ પાસે યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કેસ દાખલ કરવાના યોગ્ય કારણો છે. આમ લાંબા કાનૂની જંગ બાદ સુરેશભાઇ પટેલ અને સિટી ઓફ મેડિસન વચ્ચે કોર્ટની બહાર સમાધાન થયું હતું જેની જાહેરાત આઠ એપ્રિલે કરાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter