પોલીસ કોન્સ્ટેબલનો પરિવાર સાથે આપઘાત

Thursday 15th September 2022 06:16 EDT
 
 

અમદાવાદ: શહેરના ગોતા વિસ્તારમાં વિશ્વાસ સિટી-10ની બાજુમાં આવેલી દીવા હાઇટ્સમાં રહેતા અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના એકાઉન્ટ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ ભરતસિંહ યાદવ (35)એ પત્ની રિદ્ધિ (28) અને 2 વર્ષની માસુમ પુત્રી આકાંક્ષા સાથે ફ્લેટની બાલ્કનીમાંથી પડતું મૂકીને જીવન ટૂંકાવી દીધું હતું. છઠ્ઠી સપ્ટેમ્બરે મોડી રાતે 1.45 વાગ્યાની આસપાસ પહેલાં રિદ્ધિબહેને ત્યાર બાદ 10થી 12 સેકન્ડ પછી કુલદીપસિંહે દીકરી આકાંક્ષાને સાથે લઇને મોતની છલાંગ લગાવી હતી.
આત્મહત્યા કરતા પહેલાં કુલદીપસિંહે ભાવનગરના તેના મિત્રો તેમજ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં સાથે નોકરી કરતાં કેટલાક પોલીસ કર્મચારીઓને વોટ્સએપ પર સુસાઇડ નોટ મોકલી હતી, જેમાં તેણે મિત્રો, માતાપિતા, ભાઈ-ભાભી, બહેન-બનેવીને સંબોધી મેસેજ કર્યો હતો. જેમાં કુલદીપસિંહે તેમના જીવનમાં આવેલા તમામનો દિલથી આભાર માન્યો હતો. માતાપિતા, મિત્રોને જીવ નહીં બાળવા તેમ જ હવે સહન નહીં થતું હોવાનું લખ્યું હતું. જોકે આત્મહત્યા માટે તેમને કોઈને જવાબદાર ઠેરવ્યા નથી.
પોલીસના મતે કુલદીપે પારિવારિક કંકાસ અથવા તો આર્થિક સંકડામણના કારણે પત્ની અને દીકરી સાથે આત્મહત્યા કર્યાની શક્યતા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter