ગાંધીનગર: કચ્છ ભાજપના નેતા જયંતી ભાનુશાળીની હત્યાના બનાવમાં પોલીસ અને ભાનુશાળીના પરિવારે મુખ્ય આરોપી તરીકે દર્શાવેલા ભાજપના અબડાસાના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલના અવાજમાં રેકોર્ડ થયેલી ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં ફરતી થઈ છે.આ ક્લિપમાં છબીલ પટેલનો જ અવાજ હોવાનું મનાય છે. ક્લિપમાં જણાવ્યું છે કે, હું વિદેશમાં કામ પૂરું કરી પોલીસ સમક્ષ હાજર થઈને તપાસમાં પૂરો સહકાર આપીશ, પણ મને જીવનું જોખમ હોવાથી પોલીસ રક્ષણ મળવું જોઈએ. જોકે ૧૮ દિવસ પછી આ ઓડિયો ક્લિપ કેમ બહાર આવી?
છબીલ પટેલે વાપીની મનીષા ગોસ્વામી તથા સુરજીત ભાઉ અને પુનાના શાર્પશૂટરો સાથે મળીને જયંતી ભાનુશાળીની હત્યાનું કાવતરું ઘડ્યું હોવાનો દાવો આ કેસની તપાસ કરી રહેલી સીઆઇડી ક્રાઇમે ૨૪મી જાન્યુઆરીએ કર્યો હતો એના ૧૮ દિવસ પછી આ ક્લિપ આવી છેક ૧૮ દિવસે ઓડિયો જારી કરવા પાછળનું પ્રયોજન શું હોઈ શકે? તેની પણ પોલીસ તપાસમાં છે. પોલીસના અંદાજ પ્રમાણે, જયંતી ભાનુશાળીની હત્યાનું કાવતરું ઘડાયા પછી છબીલ પટેલ મસ્કત જવા રવાના થઈ ગયા હતા ત્યારે મનીષા ભુજમાં હતી. છબીલ પટેલના ફાર્મ હાઉસમાં શાર્પશૂટરોને આશરો અપાયો હતો.

