અમદાવાદઃ ગત મહિને પાટીદાર અનામત આંદોલન દરમિયાન પોલીસ દમનનો ભોગ બનેલા પાટીદારોની પૂછપરછ કરવા પોલીસ નવા વિકલ્પ શોધી રહી છે. આ ઉપરાંત પોલીસ ફરિયાદ ન કરવા કેટલાક પાટીદારોને ધમકી પણ આપી છે ત્યારે શહેરના કૃષ્ણનગર પોલીસે ઉતાવળમાં વિસ્તાર છોડી ગયેલા અને વિદેશમાં સ્થાયી થયેલા ૧૫ પાટીદાર યુવકોને જવાબ લખાવવા સમન્સ આપ્યું છે. પોલીસે ખરાઈ કર્યા વગર જ માત્ર મતદારયાદીને આધારે સમન્સ પાઠવ્યું હોવાનું સૂત્રો કહે છે.
૨૫ ઓગસ્ટે શહેરમાં ફાટી નીકળેલાં તોફાનો પછી સોસાયટીઓમાં ઘૂસીને પોલીસે પાટીદારો પર દમન ગુજાર્યા હતો. અઠવાડિયા સુધી પોલીસે પાટીદારોને નિશાન બનાવ્યાના સીસીટીવી ફૂટેજના આધારે હાઈ કોર્ટે પોલીસને જ આરોપી બનાવી પોલીસ અત્યાચારનો ભોગ બનેલા પાટીદારોને તે અંગે ફરિયાદ નોંધાવવા જણાવ્યું હતું.
કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના ઇન્સપેક્ટર સી. આર સંગાડાએ સરદાર ચોક નજીકની રંગસાગર સોસાયટી સહિતની સોસાયટીઓ, એપાર્ટમેન્ટમાં રહેતા ૧૫ યુવકને હિંસા અંગેની પૂછપરછ કરવા સમન્સ પાઠવ્યા હતા. પુત્રના નામનું સમન્સ મળતાં મુંઝવણમાં મુકાયેલા રંગસાગર સોસાયટીના રહીશ મંગળભાઈ પટેલે ‘મારા પુત્ર નૈતિકને હિંસા અંગે પૂછપરછ કરવા સમન્સ પાઠવ્યું છે, પરંતુ તે દોઢ વર્ષથી દુબઈ રહે છે’ તેવો જવાબ લખાવતાં પોલીસ ભોંઠી પડી હતી.