અમદાવાદઃ પ્રખર ગાંધીવાદી, આઝાદીના લડવૈયા અને સાબરમતી આશ્રમ પ્રિઝર્વેશન એન્ડ મેમોરિયલ ટ્રસ્ટના ચેરમેન અબ્દુલ હામિદ કુરેશીનું આઠમીએ ૮૯ વર્ષની વયે નિધન થયું હતું. તેમની ઇચ્છા મુજબ જ તેમને વીએસ હોસ્પિટલના સ્મશાનમાં અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. દક્ષિણ આફ્રિકામાં મહાત્મા ગાંધીની નજીકના ઇમામ સાહેબ અબ્દુલ કાદિર બવાઝીરના કુરેશી પૌત્ર હતા. ઇમામ સાહેબ ગાંધી બાપુ સાથે અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતે આવી ગયા હતા. બાપુ ઇમામ સાહેબને એક જ માતાના કૂખેથી જન્મેલાં તેમના ભાઇ તરીકે સંબોધતા હતા.
કુરેશીનું અવસાન સ્ટેડિયમ વિસ્તારની સ્વસ્તિક સોસાયટીમાં આવેલા તેમના નિવાસસ્થાને આઠમીએ સવારે ૧૦.૧૫ કલાકે થયું હતું. છેલ્લાં ચાર વર્ષથી તેઓ તેમના પુત્ર જસ્ટિસ અકીલ કુરેશી અને ભાઇ વાહિદના જમાઇ ભરત નાઇકને કહેતા હતા કે, તેમના મૃત્યુ બાદ તેમને અગ્નિદાહ આપવામાં આવે. આ મામલે જો કોઇ ચર્ચા કરે તો તેને મારી અંતિમ ઇચ્છા વિશે કહી દો કે, તેઓ જમીનનો બગાડ કરવા માગતા ન હતા. જાણકારો કહે છે કે ગાંધીવાદીઓની હયાત પેઢીમાં કુરેશી કદાચ એક જ એવા વ્યક્તિ હશે કે જેમનો જન્મ અને ઉછેર ઐતિહાસિક સાબરમતી આશ્રમમાં થયો છે. તેઓ દાંડીકૂચ સુધી બાપુની સાથે રહ્યા હતા. તેમના પિતા ગુલામ રસૂલ દાંડી કૂચની વ્યવસ્થા સંભાળનારી ‘અરુણ’ ટુકડી સાથે હતા. કૂચ કરનારાઓ માટે રહેવાની વ્યવસ્થા સહિતની જવાબદારી તેમના ખભે હતી તેમ સ્મૃતિ વાગોળતા સાબરમતી આશ્રમના ડિરેક્ટર ત્રિદીપ સુહૃદે જણાવ્યું હતું.
આશ્રમના સેક્રેટરી અમૃત મોદીનું કહેવું છે કે, દાંડીયાત્રા બાદ ગુલામ રસૂલ અને તેમના પત્નીની ધરપકડ થઈ હતી. અબ્દુલ હામિદ, તેમના ભાઇ વાહિદ અને બહેન સુલ્તાનાનો ઉછેર થોડાક વર્ષો સુધી મિરઝાપુર બંગલામાં અનસૂયા સારાભાઇએ કર્યો હતો. શહેરના ઇતિહાસકાર રિઝવાન કાદરી કહે છે કે, સપ્ટેમ્બર ૧૯૪૨માં કુરેશીની પણ દેત્રોજ ખાતેથી ક્વિટ ઇન્ડિયા ચળવળ વખતે ધરપકડ થઇ હતી.
કુરેશી એક અગ્રણી વકીલ હતા અને ત્રણ વર્ષ અગાઉ સાબરમતી આશ્રમના ચેરમેન પણ બન્યા હતા. તેઓ ૧૯૫૬ સુધી ઇમામ મંઝિલમાં રહ્યા હતા. ઇમામ સાહેબ આ ઘરમાં જ રહેતા હતા. કુરેશી નાના હતા ત્યારે બાપુના ખોળામાં રમતા હતા અને બાપુના ભોજનની થાળીમાંથી ખાવા લઈ લેવાનું સાહસ પણ કરી શકતા હતા. તેમણે નાનપણમાં બાપુની ભોજનની થાળીમાંથી કાપેલાં ટામેટાંની ચીરીઓ લઇ લેવાનું પ્રકરણ પણ પીઢ ગાંધીવાદીઓ વચ્ચે વાગોળવામાં આવે છે. સદ્ગત કુરેશીએ ૧૯૬૯ના રમખાણો પર આધારિત એક પુસ્તક ‘અગ્નિપરીક્ષા’ પણ લખ્યું હતું.


