પ્રજાસત્તાક દિને મહેસાણામાં હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષા વચ્ચે રાષ્ટ્રધ્વજ લહેરાયો

Wednesday 31st January 2018 07:59 EST
 
 

મહેસાણાઃ મહેસાણામાં ૬૯મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી થઇ હતી. રાજ્યપાલ ઓ પી કોહલીએ પોલીસ બેન્ડ દ્વારા રાષ્ટ્રગીતની ગૌરવશાળી ધૂનની સુરાવલીએ અને વાયુદળના હેલિકોપ્ટરમાંથી પુષ્પ પાંખડીઓની વર્ષા સાથે રાષ્ટ્રધ્વજ તિરંગો લહેરાવ્યો હતો. ગણતંત્ર દિવસના આ મુખ્ય સમારોહનો નજારો માણવા હજારોની સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. રાજ્યપાલની સાથે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પણ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આ પ્રસંગે સ્થાનિક શાળાના વિદ્યાર્થીઓનાં વિશાળ વૃંદે આત્માની ચેતનાનું શારીરિક બળ સાથે ભારતીય યોગ પરંપરાના વારસારૂપ કરતબો રજૂ કર્યા હતા.
૩૨માં પલટનના ૧૦૭૭ જેટલા જવાનોએ અધિકારી-કમાન્ડરનાં નેતૃત્વમાં પરેડ યોજાઇ હતી.

મુખ્ય પ્રધાને ખુલ્લી જીપમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પ્રજાજનોનું અભિવાદન ઝીલ્યું હતું. આ સમારોહમાં મુખ્ય સચિવ જે. એન. સિંઘ ડાયરેક્ટર જનરલ પોલીસ પ્રમોદકુમાર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ જ રીતે અમદાવાદ જિલ્લાનાં દસક્રોઇ તાલુકાના વહેલાલ ખાતે જિલ્લા કક્ષાનાં કાર્યક્રમમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે રાષ્ટ્રધ્વજ લહેરાવીને સલામી આપી હતી. તેમજ વિવિધ પોલીસ દળની પરેડનું નિરિક્ષણ કર્યું હતું. નાયબ મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, દેશને શાંત, સલામત અને સમૃદ્ધ બનાવવા સમાજની દરેક જ્ઞાતિ-જાતિને સાથે રાખીને સમાજનાં દરેક ક્ષેત્રનો વિકાસ કરવો છે. દરેક યુવાનોને શિક્ષણ મળે, ખેડૂતોને સિંચાઇની સુવિધા તથા માર્ગદર્શન મળે, ઉદ્યોગોનું ઉત્પાદન વધે તે દિશામાં સરકાર કામ કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter