પ્રતિબંધના પગલે ટુરિઝમ અને હોસ્પિટાલિટી સેક્ટર ખોટના ખાડામાં

સંજય ઘમંડે Tuesday 17th March 2020 06:09 EDT
 
 

અમદાવાદઃ વૈશ્વિક મહામારી કોરોના વાઇરસ (કોવિડ-૧૯)નો પ્રસાર અટકે તે માટે વિદેશી પ્રવાસીઓને ભારતમાં આવવા પર લાદેલા પ્રતિબંધથી દેશના પ્રવાસન ઉદ્યોગને માઠી અસર થઇ છે. એર ટિકિટિંગ વ્યવસાય સાથે સંકળાયેલા એજન્ટ્સથી માંડીને ટૂર ઓપરેટર્સની હાલત કફોડી બની છે. તો વિદેશી પ્રવાસીઓની ગેરહાજરીથી હોસ્પિટાલિટી સેક્ટરને પણ ફટકો પડ્યો છે. એક અંદાજ પ્રમાણે વિદેશ પ્રવાસમાં ૭૦ ટકા ઘટાડો થયો છે. ભારતથી વિદેશની અનેક ફ્લાઇટ રદ કરાઈ છે. કોરોનાના કારણે ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને ૫૫૦ કરોડથી વધુનું આર્થિક નુકસાન થઇ શકે તેમ છે.
ટ્રાવેલ એજન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા (‘ટાફી’)ના ગુજરાત ચેપ્ટરના ચેરમેન જીગર દુદકિયાએ જણાવ્યું હતું કે, વિદેશના ડેલિગેટ્સ એક્ઝિબિશનમાં ભાગ લેનાર, ટેક્‌નિશિયન, વિવિધ ઇવેન્ટના એક્સ્પર્ટ સ્પીકર એમ તમામ પ્રકારના લોકોના આયોજન રદ થશે, જેની પ્રવાસન ઉદ્યોગને પણ તેની માઠી અસર થશે. એવિએશન કંટ્રોલથી ઈન બાઉન્ડ ટૂરિઝમને ખરાબ અસર થશે. આગામી સપ્ટેમ્બરમાં નવી સીઝન શરૂ થતાં સુધીમાં પરિસ્થિત થાળે પડશે તેવી આશા છે.
ટ્રાવેલ્સ એસોસિએશન ઓફ ગુજરાતના પ્રેસિડેન્ટ પંકજ ગુપ્તા કહે છે, ‘કોરોનાની આર્થિક રીતે ટ્રાવેલ્સ અને ટુરિઝમ ઉદ્યોગને ઘણી માઠી અસર થઇ છે. ફોરેન ક્લાયન્ટ્સના પ્રવાસ કેન્સલ થઈ રહ્યાં છે. આંતરરાષ્ટ્રીય સ્તરે કોર્પોરેટ મૂવમેન્ટ ચાલુ છે. સ્થાનિક સ્તરે જે લોકોએ બુકિંગ કરાવી દીધું છે તે જ પ્રવાસ કરી રહ્યાં છે. માર્ચ પછી નવું બુકિંગ નથી. આ પરિસ્થિતિ સુધરતા ત્રણેક મહિના લાગશે. હોટેલ અને એરલાઇન્સનું કેન્સલેશન વધ્યું છે.’
ટૂર્સ-ટ્રાવેલ્સ સાથે સંકળાયેલા અજય મોદી કહે છે, ‘પ્રતિબંધના કારણે પ્રવાસન ક્ષેત્રને અસર થઇ છે તેમાં શંકા નથી. વિઝા રદ કરી દેવાતા અને એરપોર્ટ પર પ્રવાસીઓ પાસેથી પરત ફરતી વખતે ફરજીયાત સેલ્ફ આઇસોલેશન માટેની મંજૂરી લેવાતી હોવાથી લોકો મુસાફરી ટાળી રહ્યાં છે. વિદેશ જનારા અને આવનારાઓને પણ ભય લાગે છે. પ્રતિબંધની સૌથી ગંભીર અસર એરલાઇન્સ અને હોટેલ્સને થઇ છે.’
આ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો અંદાજ વ્યક્ત કરે છે કે ભારત આવનારાઓએ ફ્લાઇટ ટિકિટ, હોટેલ સહિતના બુકિંગ રદ કરાવતાં દેશનાં ટુરિઝમ-હોસ્પિટાલિટી સેક્ટરને અંદાજે ૮૫૦૦ કરોડ રૂપિયાથી વધારેનું નુકસાન થશે. ઉપરાંત, ટ્રાવેલ્સ, ટુરિઝમ અને એવિએશન સેક્ટરમાં આવનારા દિવસોમાં અનેક લોકોને નોકરી પણ ગુમાવવી પડી શકે તેવી સંભાવના પણ છે. ‘એસોચેમ’ તેમજ હોટેલ અને ટ્રાવેલ્સ ઉદ્યોગ સાથે સંકળાયેલા વિવિધ સંગઠનો દ્વારા નુકસાનનો અંદાજ વ્યક્ત કરાયો છે.
અમદાવાદની પારુલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના હાર્દિક પાનસુરીયા કહે છે, ‘જાન્યુઆરીથી એપ્રિલનો સમય હોસ્પિટાલિટી સેક્ટર માટે પીક ટાઇમ હોય છે, પણ હાલ બુકિંગ નથી. ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટિક હોસ્પિટાલિટી સેક્ટરને ખરાબ અસર થઇ છે. જૂના બુકિંગ કેન્સલ થયા છે અને નવી ઇન્કવાયરી નથી. ફાર ઇસ્ટ દેશોમાં કોરોનાનો એટલો ભય નથી છતાં ત્યાં જઇને પાછા ફરતાં સ્ક્રીનીંગ તથા ક્વોરેન્ટાઈન સહિતના નિયમોથી લોકો વિદેશ જવાનું ટાળે છે.
સમર વેકેશનમાં કેરળ જવાનું પ્લાનિંગ કરનારા અમદાવાદના નરેન્દ્ર પ્રજાપતિ કહે છે કે, દીકરીની દસમા ધોરણની પરીક્ષા પત્યા પછી કેરળ જવાનું નક્કી કર્યું હતું પરંતુ હવે ત્યાં કોરોના વાઇરસના કેસ સામે આવ્યાં છે ત્યારે ત્યાં જવાનું માંડી વાળ્યું છે. અમેરિકામાં પુત્રને મળવા જનારા નિર્મળાબેન, લંડનમાં અભ્યાસ કરતા ભાઈ અમિતની ચિંતા કરતી બહેન ભાવિકા, દુબઈ-થાઈલેન્ડ ગ્રુપ ટૂર્સ લઇ જનારા રાકેશભાઈ, અમદાવાદ એરપોર્ટ બહાર મુસાફરોની રાહ જોનાર કેબ ડ્રાયવર હિમાંશુ સહિતના અનેક લોકો એવા છે કે જેઓ કોરોનાનો કહેર ઘટે અને અમદાવાદ સહિત દેશના એરપોર્ટ ફરી ધમધમતા થાય તેમ ઇચ્છી રહ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter