અમદાવાદઃ ‘સેક’ના ટૂંકા નામે જાણીતી ભારતની અગ્રણી અંતરીક્ષ વિજ્ઞાન સંશોધન સંસ્થા સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડિરેક્ટર તરીકે નીલેશ એમ. દેસાઈની પસંદગી કરવામાં આવી છે. આ અંગેનો ઓર્ડર ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ દ્વારા ઇસ્યુ પણ થઇ ગયો છે. નવસારીના વતની નીલેશ દેસાઈ ૩૫ વર્ષથી સ્પેસ એપ્લિકેશન સેન્ટર સાથે સંકળાયેલા છે અને હાલ તેઓ એસોસિએટ ડિરેક્ટર તરીકે કાર્યભાર સંભાળે છે. હવે તેઓ વિદાય લઇ રહેલા ડિરેક્ટર ડી. કે. દાસના અનુગામી બનશે.
ઉલ્લેખનીય છે કે દેસાઇ ત્રીજા ગુજરાતી છે, જેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે નામના ધરાવતી આ વિજ્ઞાન સંસ્થાનું નેતૃત્વ સંભાળશે. અગાઉ વિક્રમ સારાભાઈ અને એ પછી પ્રોફેસર પી.ડી. ભાવસાર એ બે ગુજરાતી આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન સંસ્થા ‘સેક’ના ડિરેક્ટર તરીકે જવાબદારી સંભાળી ચૂક્યા છે. પ્રોફેસર ભાવસાર ૧૯૮૫થી ૧૯૮૬ સુધી ડિરેક્ટર હતા. એ પછી દેસાઈ પ્રથમ ગુજરાતી છે. સ્પેસ એપ્લિકેશન સેન્ટર ઈસરોની મહત્ત્વની સંસ્થા છે અને ભારતના ઉપગ્રહો સાથે સંકળાયેલી મહત્ત્વની કામગીરી અહીં જ થાય છે.
નીલેશ દેસાઈ રેડાર ટેકનોલોજીના નિષ્ણાત છે. ઓલવેધર એટલે કે દરેક ઋતુમાં કામ આપી શકે અને ઉપગ્રહમાં ફીટ થયા પછી વાદળછાયા વાતાવરણમાં પણ કાર્યરત રહી શકે એવા રડાર તેમણે તૈયાર કર્યા છે. ઈસરોએ અમેરિકન નેવિગેશન સિસ્ટમ જીપીએસનો ભારતીય વિકલ્પ તૈયાર કર્યો છે. ‘નાવિક’ના ટૂંકા નામે ઓળખાતી આ સેટેલાઈટ સિસ્ટમ શરૂ કરવામાં નીલેશ દેસાઈએ નોંધપાત્ર પ્રદાન
આપ્યું છે.


