પ્રથમ ગ્રાસે મક્ષિકાઃ અમદાવાદની ૬૦ ટકા ફ્લાઇટ કેન્સલ, પ્રવાસીઓ હેરાનપરેશાન

Thursday 28th May 2020 05:27 EDT
 
 

અમદાવાદઃ દેશના મોખરાના વિમાનમથકોની માફક અમદાવાદનું સરદાર વલ્લભભાઇ પટેલ પણ ૬૧ દિવસના અંતરાલ બાદ સોમવારથી ધમધમતું થઇ ગયું છે. જોકે, પ્રથમ દિવસે જ અમદાવાદની કુલ ૯૦માંથી લગભગ ૬૦ ટકા જેટલી ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી હતી.
અમદાવાદમાં જે કુલ ૩૦ ફ્લાઇટની અવર-જવર થઇ તેમાંથી મોટા ભાગમાં પણ ૫૦ ટકાથી ઓછા મુસાફર હતા. લોકડાઉનને લીધે અન્ય શહેરમાં ફસાઇ ગયા હોય તેઓ જ હાલ ફ્લાઇટ દ્વારા મુસાફરી કરવાનું પસંદ કરી રહ્યા છે.
અમદાવાદ એરપોર્ટ છેલ્લા ૬૧ દિવસથી મુસાફરોના આગમન વિના સૂનું પડ્યું હતું. સોમવારે વહેલી પરોઢિયે મુસાફરોના આગમન સાથે જ અમદાવાદ એરપોર્ટમાં જાણે ચેતનાનો સંચાર થયો હતો.
જોકે ૬૧ દિવસ અગાઉની સરખામણીએ અમદાવાદ એરપોર્ટમાં ચિત્ર જાણે સાવ જ બદલાઇ ગયું હતું. કેવળ મુસાફરો દ્વારા જ નહીં, બલ્કે એરપોર્ટ સ્ટાફ - સીઆઇએસએફના જવાનો દ્વારા પણ સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનેટાઇઝેશન જેવા તકેદારીના પગલા લેવાયા હતા.

બહારગામથી આવેલા મુસાફરો અટવાયા

ફ્લાઇટમાં વતન પહોંચવા અનેક લોકો રાજસ્થાન, રાજકોટ, જુનાગઢથી સોમવારે અમદાવાદ પહોંચ્યા હતા. જોકે, કેટલીક એરલાઇન્સે ફ્લાઇટ અચાનક જ કેન્સલ કરી દેતા તેમને ભારે પરેશાનીનો સામનો કરવો પડયો હતો અને અમદાવાદ સુધીનો ધક્કો થયો હતો. ૭૭ વર્ષના એક વૃદ્ધ ઈ-પાસ નહીં હોવાથી મુસાફરી કરી શક્યા નહોતા.

અનેક લોકોએ મુસાફરી ટાળી

કર્ણાટક, પંજાબ, હરિયાણા, કેરળ જેવા અનેક રાજ્યો દ્વારા ઘડાયેલા નિયમ પ્રમાણે અન્ય રાજ્યથી ફ્લાઇટમાં આવતા ડોમેસ્ટિક મુસાફરોને ૭ થી ૧૪ દિવસ માટે ક્વોરન્ટાઇ રખાશે. આથી મોટા ભાગના મુસાફરોએ હાલ પૂરતી મુસાફરી ટાળવાનો નિર્ણય લીધો હતો.
હાલ એવા જ મુસાફરો ફ્લાઇટથી મુસાફરી કરવાનું પસંદ કરી રહ્યા છે જેઓ લોકડાઉન બાદ પોતાના વતનથી અટવાઇ ગયા છે.

કેટલીક ફ્લાઇટમાં માત્ર ૭-૮ મુસાફરો

સોમવારે મોટા ભાગની ફ્લાઇટ ૫૦ ટકાથી વધુ ખાલી જોવા મળી હતી. અમદાવાદથી કંડલા ગયેલી ફ્લાઇટમાં ૭ જ્યારે બેલગામથી અમદાવાદ આવેલી ફ્લાઇટમાં ૮ મુસાફરો હતા. એક એરલાઇન્સના અધિકારીએ જણાવ્યું કે, ‘રાજ્યો વચ્ચે સંકલનના અભાવે પણ ફ્લાઇટ ખાલી જઇ રહી છે. મહારાષ્ટ્ર, તામિલનાડુ, પશ્ચિમ બંગાળની ફ્લાઇટ ક્યારે ઉપડશે તેને લઇને છેક સુધી અનિશ્ચિતતા હોવાથી ત્યાં જનારા મોટાભાગના મુસાફરોએ થોભો અને રાહ જુઓનો વ્યૂહ અપનાવ્યો છે.’

ફ્લાઇટમાં બેસવા અગાઉના ૬ પડાવ

• લગેજ સેનેટાઇઝેશન • થર્મલ સ્કેનરથી તાપમાન ચકાસણી • આરોગ્ય સેતુ એપમાં ગ્રીન સ્ટેટસ
• સીઆઇએસએફ દ્વારા ઓળખપત્ર • ટિકિટની ચકાસણી • સેલ્ફ ચેક ઈન અને • બોર્ડિંગ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter