પ્રદીપસિંહ જાડેજા કેન્સરમુક્ત થયાઃ હોસ્પિટલમાંથી રજા અપાઈ

Friday 07th December 2018 07:37 EST
 
 

અમદાવાદઃ ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાને મોંનું કેન્સર થતા શહેરની એચસીજી હોસ્પિટલમાં ૨૬ નવેમ્બરે તેમની સર્જરી કરાઇ હતી. હવે તેમને છઠ્ઠી ડિસેમ્બરે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ડોક્ટરોના જણાવ્યાં પ્રમાણે સર્જરી બાદ પ્રદીપસિંહ જાડેજા કેન્સરમુક્ત થયા છે. અત્યાધુનિક સારવાર પ્રમાણે તેમની મોંની સર્જરી અને ત્યારબાદ પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવી હતી.
એચસીજી હોસ્પિટલના હેડ એન્ડ નેક સર્જન અને કેન્સર સેન્ટરના ડાયરેક્ટર ડો. કોસ્તુભ પટેલે જણાવ્યું હતું કે, અત્યાધુનિક તબીબી ટેકનિક દ્વારા પ્રદીપસિંહ જાડેજાની મોંની સર્જરી કરાઇ હતી. ઓપરેશન ટેબલ પર જ મિનિટોમાં તેમની બાયોપ્સિનો લાઈવ રિપોર્ટ મેળવાયો હતો અને ત્યારબાદ પ્લાસ્ટિક સર્જરી પણ કરવામાં આવી હતી. ગૃહ રાજ્યપ્રધાનની માઈક્રોવાસ્ક્યુલર ટેકનિક દ્વારા સર્જરી કરાઈ હતી.
ડો. પટેલે કહ્યું કે, પ્રદીપસિંહના મોંનું કેન્સર સંપૂર્ણપણે દૂર થઇ ગયું છે. તેમને સર્જરી માટે આઈસીયુમાં દાખલ કરાયા હતા. ત્યાર બાદ તેઓ જાતે જ ચાલીને સ્પેશિયલ વોર્ડમાં શિફ્ટ થયા હતા અને છઠ્ઠી ડિસેમ્બરે તેમને રજા અપાઈ ત્યારે પણ તેઓ ચાલતા જ વોર્ડમાંથી નીકળ્યા હતા. આમ, પ્રદીપસિંહ જાડેજા સર્જરી બાદ બિલકુલ સ્વસ્થ છે અને હવે તેઓ ખતરામાંથી બહાર આવી ગયા છે.
ઉલ્લેખનીય છે કે પ્રદીપસિંહ જાડેજાને ગાલની ચામડીમાં અંદરના ભાગે કેન્સર હતું, જેને તબીબી ભાષામાં ‘બકલ મ્યુકોઝા’ કહે છે. તેમના ગાલની સર્જરી કરીને તેમનાં ગાલની અંદરનો કેન્સરગ્રસ્ત ભાગ કાઢવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં થતાં મોંનાં કેન્સરમાં સૌથી વધુ આ કેન્સરનું નિદાન થાય છે, અને મોંનાં કેન્સરનાં ૬૦થી ૭૦ ટકા દર્દીમાં આ કેન્સર જોવા મળે છે. જોકે, પ્રારંભિક તબક્કે આ કેન્સરનું નિદાન થાય તો તેને મટાડી શકાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter