અમદાવાદ: ગુજરાત સરકારા બે મંત્રીના વિભાગો પાછા ખેંચી લેવાયા બાદ ભાજપ સંગઠનના મહત્ત્વના કોર ગ્રુપમાં પાંચ નવા સભ્યોને સામલે કરાયા છે. તેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, પૂર્વ અધ્યક્ષ આર. સી. ફળદુ, ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબહેન શિયાળ અને પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાનો સમાવેશ થાય છે.
જાન્યુઆરી 2022માં ભાજપના પ્રદેશ અધ્યક્ષે પ્રદેશ કોર ગ્રુપની રચના કરી હતી, જેમાં અધ્યક્ષ રાજ્યના મુખ્યંત્રી સહિત 12 સભ્યોનો સમાવેશ કરાયો હતો. આ જાહેરાત બાદ પાછળથી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને કોર ગ્રુપમાં સામેલ કરવામાં આવ્યા હતા. આમ કોર ગ્રુપનું સંખ્યાબળ 13 થયું હતું. આ પછી હવે નવા પાંચ સભ્યોને સામલે કરવામાં આવ્યા છે, આમ હવે ભાજપ પ્રદેશ કોર ગ્રુપના સભ્યોની સંખ્યા 18 થઈ છે.
નવી સરકાર રચાયા પછી ભાજપના અધ્યક્ષે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીનો કોર ગ્રુપમાં સામેલ કર્યા નહોતા, જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત બાદ રૂપાણીનો આ ટીમમાં સમાવેશ થયો હતો. ભાજપ કોર ગ્રુપના 18 સભ્યો ગુજરાત સરકાર અને ભાજપ સંગઠનને બેક ડ્રાઈવ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને આ ગ્રુપની બેઠક મળી હતી, જેમાં સરકાર-સંગઠન વચ્ચે વધુ સારી રીતે તાલમેલ સધાય તે સહિતના વિવિધ મુદ્દે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો.


