ભૂજઃ ગોસંવર્ધન, કુટિર અને મીઠા ઉદ્યોગના રાજ્યકક્ષાના પ્રધાન અને માંડવી-મુંદ્રાના ધારાસભ્ય તારાચંદ છેડાને વાલ્વની બીમારી થઈ હોવાનું જાણવા મળ્યું છે, જેની સારવાર અર્થે તેમને મુંબઇની બોમ્બ હોસ્પિટલમાં ગત સપ્તાહે દાખલ કરવામાં આવ્યા છે. તેમના પુત્ર જીગર છેડાએ કહ્યું હતું કે ૨૪ જુલાઇએ તેમના પર બાયપાસ અને વાલ્વનું ઓપરેશન કરવામાં આવશે. ૧૫ જુલાઇએ તારાચંદભાઇને ગાંધીનગરમાં અચાનક હૃદયરોગનો હુમલો આવ્યો હતો અને તેમને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. ત્યાંથી તેમને બીજે દિવસે બોમ્બે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, તારાચંદભાઇ ૧૪ જુલાઇ જ પોતાનો ૬૫મો જન્મદિન ઉજવ્યો હતો.
જાહેર જીવનમાં કાર્યરત રહીને પ્રધાનપદ સુધી પહોંચેલા તારાચંદભાઇએ ૧૪ જુલાઇએ પોતાના જન્મ દિને એકત્ર થયેલું અંદાજે રૂ. ૫૦ લાખનું ભંડોળ સેવા કાર્યોમાં સમર્પિત કર્યું છે. તારાચંદભાઇના ૬૫મા જન્મદિને વતન મુન્દ્રાના મોટા કાંડાગરામાં યોજાયેલા ધનતુલાના અનોખા કાર્યોમાં કચ્છમાં સેવાકાર્યો માટે અંદાજે રૂ. ૫૦ લાખનું માતબર ભંડોળ એકત્ર થયું હતું. જે રકમને જીવદયા સહિતના વિવિધ સેવાકાર્યો માટે અર્પણ કરવામાં આવ્યું હતું.