ગાંધીનગરઃ રાજ્યપ્રધાન પરબત પટેલ બનાસકાંઠા મતક્ષેત્રથી લોકસભામાં ચૂંટાતા આવનારા ટૂંક સમયમાં ગુજરાતમાં રૂપાણી સરકારનું વિસ્તરણ થશે તે નક્કી છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કમલમ ખાતે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મીડિયા સમક્ષ ‘સમય આવ્યે તે પણ થશે’ એમ કહીને પ્રધાનમંડળના વિસ્તરણના સંકેતો આપ્યા હતા.
૨૦૧૭માં વિધાનસભા ચૂંટણી પછી ભાજપમાંથી બોર્ડ-નિગમોમાં નિમણૂંકો થશે એમ મનાતું હતું, પરંતુ સવા વર્ષથી તે અટકી પડી છે. લોકસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાંથી આયાતી પેરાશુટને સીધા જ પ્રધાનપદે બેસાડવાના ઘટનાક્રમ પછી લોકસભામાં ફરી વાર ૨૬માંથી ૨૬ બેઠકો માટે અથાગ મહેનત કરનારા કાર્યકરો, નેતાઓ બોર્ડ-નિગમમાં નિમણૂંકો થાય તેવી અપેક્ષા રાખી રહ્યા છે. પરબત પટેલ ઉપરાંત વિધાનસભામાં દંડકપદે રહેલા ખેરાળુના ભરતસિંહ ડાભી પણ પાટણથી લોકસભામાં ચૂંટાતા ખાલી પડનારા આ પદ માટે પણ બે-ત્રણ સપ્તાહમાં જ ધારાસભ્યને નિમણૂંક મળશે તેમ નિૃત મનાય છે.
ચૌધરીનું નક્કી, ઠાકોરને પ્રધાનપદ મળી શકે
બનાસકાંઠામાં પ્રધાન પરબત પટેલનો વિજય થતા થરાદ વિધાનસભાની ખાલી પડેલી બેઠક પર યોજનારી પેટા-ચૂંટણીને રસ્તે પૂર્વ પ્રધાન શંકર ચૌધરીને ફરીથી રાજ્ય સરકારમાં પ્રધાનપદ અપાશે તે નક્કી જ છે. સાથે સાથે જ રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને પણ ભાજપમાં સમાવી પ્રધાનપદે બેસાડાય તેવી વકી હોવાનું ભાજપના વર્તુળો કહી રહ્યા છે.
તો પણ પરબતકાકાનો વિજય નક્કી હતો
બનાસકાંઠામાં પરબત પટેલ ૩,૬૩,૯૧૮ મતે જીત્યા છે. જ્યારે કોંગ્રેસના બળવાખોર અલ્પેશ ઠાકોરના અપક્ષ સ્વરૂપજીને માત્ર ૪૮ હજાર મત મળ્યા છે. આમ અલ્પેશ ઠાકોર ન હોત તો પણ પરબતકાકાની ત્રણ લાખ મતે જીત નક્કી જ હતી. ભાજપની જીત એ પક્ષના કાર્યકરો અને પરબતકાકાની વ્યક્તિગત છબીને કારણે છે. તેઓ સ્થાનિક સમાજમાં આગવું સ્થાન ધરાવે છે તે કોઇએ ભૂલવું જોઇએ નહીં.


