પ્રધાનમંડળમાં મહિલાશક્તિઃ એક મુખ્યમંત્રી, ૧૯ને મંત્રીપદ મળ્યું

Wednesday 22nd September 2021 12:15 EDT
 
 

અમદાવાદ: ૧૯૬૦માં અલગ ગુજરાતની સ્થાપના પછી અત્યાર સુધીમાં ૨૦૨૧ સુધીમાં બનેલા મંત્રીમંડળોમાં બહુ મળીને ૨૦ મહિલાઓને સ્થાન મળ્યું છે. જ્યારે ઈતિહાસમાં એક માત્ર મહિલા મુખ્યમંત્રી તરીકે આનંદીબહેન પટેલનું નામ નોંધાયેલું છે. તેઓ મે-૨૦૧૪ ઓગસ્ટ ૨૦૧૬ સુધી આ હોદ્દા પર રહ્યાં હતાં.
અન્ય મહિલાઓ કે જેઓ મંત્રીમંડળમાં સ્થાન પામ્યા છે તેમાં ઉર્મિલાબહેન પ્રેમશંકર ભટ્ટ, કમળાબહેન મ. પટેલ, ઈન્દુમતીબહેન ચીમનલાલ, આયેશાબેગમ શેખ, હેમાબહેન આચાર્ય, કોકિલાબહેન વ્યાસ, ડો. ગીતા દક્ષિણી, ડો. સુશીલાબહેન શેઠ, નૂરજહાં બાબી, શાંતાબહેન મકવાણા, ચન્દ્રિકાબહેન ચૂડાસમા, ઉર્વશી દેવી, જશુબહેન સવજી કોરાટ, ડો. માયા કોડનાની, વસુબહેન ત્રિવેદી, નિર્મલાબહેન વાધવાણી, વિભાવરી દવે અને હવે ૨૦૨૧માં મનીષાબહેન વકીલ અને નિમીષાબહેન સુથારનાં નામ આવે છે.
સપ્ટેમ્બરમાં સત્તા ગુમાવી
ગુજરાતમાં, હમણાં સપ્ટેમ્બરમાં વિજય રૂપાણીને સત્તા ગૂમાવવાનો વારો આવ્યો. ભૂતકાળમાં આવા ત્રણ કિસ્સા નોંધાયા છે જેમાં તત્કાલીન મુખ્યમંત્રીઓને સત્તા ગુમાવવી પડી હતી અને એ અર્થમાં તેમના માટે ‘બ્લેક સપ્ટેમ્બર’ સાબિત થયેલો.
પહેલા મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતાએ, પોતાની બીજી ટર્મમાં રાજકીય અસ્થિરતાના કારણે ૧૯૬૩ના સપ્ટેમ્બરમાં સત્તા ત્યાગવી પડી હતી. તેમના અનુગામી બનેલા સ્વ. બળવંતરાય મહેતા પણ સપ્ટેમ્બરમાં વિમાની અકસ્માતમાં અવસાન પામતા હિતેન્દ્રભાઈ દેસાઈને સત્તા સંભાળવાની આવી હતી.
ત્રીજો કિસ્સો સુરેશભાઈ મહેતાનો છે. શંકરસિંહના બળવા પછી પ્રથમ કેશુભાઈને અને પછી ૯ મહિનામાં સુરેશ મહેતાને ગાદી છોડવી પડી હતી. આ ત્રણેય કિસ્સામાં સામ્યતા એ હતી કે ત્રણેય મહેતા અટકધારી મુખ્યમંત્રી હતા અને તે તમામ સાથે ૧૯મી સપ્ટેમ્બરની તારીખ જોડાયેલી હતી!
વિધાનસભાના અધ્યક્ષ અને પ્રધાનપદના કિસ્સા
તાજેતરમાં ગુજરાતમાં જે સત્તા પરિવર્તન થયું તેમાં વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી હોદ્દા પરથી રાજીનામું આપીને મંત્રીમંડળમાં જોડાયા છે. ગુજરાતમાં અગાઉ ચીમનભાઈ પટેલની ૧૯૯૦ની સરકાર ટાણે શશિકાન્ત લાખાણીએ પણ આમ કર્યું હતું. આવો જ કિસ્સો ગણપત વસાવાનો છે. પહેલાં તેઓ વિધાનસભાના અધ્યક્ષ બનેલા અને પછી પ્રધાન પણ બન્યા હતા.
લાંબો સમય સુધી ગુજરાતના મંત્રીમંડળના સભ્ય તરીકે ફરજ બજાવનારા અશોક ભટ્ટ અને વજુભાઈ વાળા પણ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બન્યાના કિસ્સા છે. દરમિયાન, લગભગ ૧૦ વર્ષ સુધી વિધાનસભા અધ્યક્ષપદે રહેલા નટવરલાલ શાહે હોદ્દો છોડીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું પ્રમુખપદ સંભાળ્યું હતું તે કિસ્સો પણ જાણીતો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter