અમદાવાદઃ કરોડો લોકોને જીવનમાં નવી દિશા ચીંધનારા પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજનો પાર્થિવ દેહ બુધવારે પંચમહાભૂતમાં વિલીન થઇ ગયો હતો. વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ‘પ્રમુખસ્વામી આવજો રે, પુનઃ પધારજો રે...’, ‘જય સ્વામીનારાયણ’, ‘બાપા દર્શન આપો’ના ગગનભેદી નારાઓથી સારંગપુર સ્થિત સ્વામીનારાયણ મંદિર સંકુલ ગાજી ઊઠ્યું હતું. પ્રચંડ મેદનીની આંસુથી છલકતી આંખો વચ્ચે પૂજ્ય મહંત સ્વામી (સાધુ કેશવજીવનદાસજી મહારાજ)એ સૌપ્રથમ તેમના ચરણારવિંદમાં ગોંડલની અક્ષર દેરીની જ્યોતનો સ્પર્શ કરાવ્યો હતો. બાદમાં બીએપીએસના વરિષ્ઠ સંતોએ તેમને અગ્નિસ્પર્શ કરાવ્યો હતો. વૈદિક મંત્રોચ્ચાર, શાંતિપાઠ અને જનમંગલ નામાવલિ સહિતનાં અનેક શાસ્ત્રોક્ત ઉચ્ચારણો સાથે પ્રમુખસ્વામી મહારાજનાં વિધિવત્ રીતે અંતિમ સંસ્કાર કરાયા હતા.
સમસ્ત વિશ્વમાં હિન્દુ ધર્મની ધ્વજા ફરકાવનારા બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થાના વડા પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનાં અંતિમ સંસ્કાર થયા તે પૂર્વે સવારે અનેક ધાર્મિક, આધ્યાત્મિક અગ્રણીઓ, રાજકારણીઓએ હાજરી હતી. ખુદ પ્રમુખસ્વામી મહારાજે નિર્ધારિત કરેલાં સ્થળે તેમનાં ગુરુ મહારાજ અને ભગવાન સ્વામીનારાયણની પરમ દૃષ્ટિના મિલનબિંદુ સ્થળે ખાસ ઊભી કરાયેલી વેદિકા ઉપર તેમનાં પાર્થિવ દેહને સંતો દ્વારા વેદોક્ત વિધિપૂર્વક અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. એ વખતે ‘ઓમકાર’ના સમૂહ નાદ સાથે ‘પ્રમુખસ્વામી આવજો રે, પુન: પધારજો રે, વસમી ગુરુની વિદાય’ના નારાથી વાતાવરણ ગૂંજી ઉઠ્યું હતું.
પૂ. પ્રમુખસ્વામી મહારાજને અંતિમ વિદાય આપવા માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, પ્રદેશ ભાજપ પ્રમુખ જિતુભાઈ વાઘાણી, પૂર્વ નાયબ વડા પ્રધાન લાલ કૃષ્ણ અડવાણી, અમદાવાદના મેયર ગૌતમ શાહ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધાર્થ પટેલ, ભાજપના મહામંત્રી ભરત પંડ્યા, યોગગુરુ બાબા રામદેવ સહિત શીખ, મુસ્લિમ, જૈન, ખ્રિસ્તી સમુદાય સહિતનાં વિવિધ ધર્મગુરુઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
અગાઉ છેલ્લા ચાર દિવસથી વિશિષ્ટ મંડપમાં રાખવામાં આવેલા પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના પાર્થિવ દેહને સંતો દ્વારા પાલખીમાં બપોરે તેમનાં નિવાસસ્થાન ‘સર્વસ્વ’ ખાતે લઇ જવાયો હતો. જ્યાં બેથી અઢી કલાક પંચામૃત, ગંગાસ્નાન અને વૈદિક મંત્રોચ્ચાર સાથે પરંપરાગત વિધિ કરાઇ હતી. બાદમાં દેશ-દેશાવરથી પ્રમુખસ્વામી મહારાજનાં અક્ષરધામ ગમન બાદ અંતિમ દર્શનાર્થે આવેલી લાખોની પ્રચંડ જનમેદની વચ્ચે ખાસ તૈયાર કરવામાં આવેલા રથમાં સંતો પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને લઇને આવ્યા હતા. તેઓનાં ગુરુ, શાસ્ત્રીજી મહારાજનાં સ્મૃતિમંદિરનાં પ્રાંગણ ખાતે ખીજડા વૃક્ષ નીચે પ્રથમ વિસામો આપવામાં આવ્યો હતો. બાદમાં સંતોએ પાલખી ખભે ઉપાડીને સમગ્ર પરિસરમાં ફેરવી ત્યારે ‘પ્રમુખસ્વામી મહારાજની જય’ના જયનાં ગગનભેદી જયઘોષ ગૂંજી ઉઠ્યા હતા.
અંતિમ વિધિ પૂર્વે સંતોએ એક તરફ વૈદિક મંત્રોચ્ચાર થતાં હતા ત્યારે બીજી તરફ વેદિકા ઉપર સફેદ વસ્ત્ર વડે કવર કરીને અંતિમ વિધિ કરી હતી. ગોંડલ ખાતેની અક્ષર દેરીથી લાવવામાં આવેલી જ્યોતનું પૂજન કરીને તેના જ અગ્નિ વડે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા. આ વખતે ઉપસ્થિત પ્રત્યેક લોકોએ ‘બાપા’ની આરતી ઉતારી હતી અને શાંતિપાઠ સાથે પુષ્પાંજલી અર્પણ કરી હતી.
અંત્યેષ્ટિ માટે આ જ સ્થળ કેમ?
પ્રમુખસ્વામી મહારાજની અંત્યેષ્ટિ માટે પસંદ કરાયેલા સ્થળ અંગે વરિષ્ઠ સંત પૂજ્ય ઈશ્વરચરણદાસ સ્વામીએ જણાવ્યું હતું કે ‘પ્રમુખસ્વામી મહારાજની ઇચ્છા હતી કે મારે સારંગપુરમાં જ દેહત્યાગ કરવો છે. તેઓએ ત્રણ-ચાર વર્ષ પહેલાં પૂજ્ય યોગીચરણ સ્વામી અને પૂજ્ય નારાયણચરણ સ્વામીને વાતવાતમાં પોતાની આ ઈચ્છા દર્શાવી હતીઃ મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન ભગવાન સ્વામિનારાયણ અને અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની દૃષ્ટિ મારી પર અખંડ રહે એવી રીતે મારા દેહને આ સ્થળે મૂકજો... વળી, બરાબર કાટખૂણે પોતાના પ્રાણપ્યારા ગુરુ શાસ્ત્રીજી મહારાજનું સ્મૃતિ મંદિર છે, તો એમની દૃષ્ટિ પણ પોતા પર અખંડ રહે, એ દિવ્ય ભાવથી તેમણે જાતે જ પોતાના અંત્યેષ્ટિવિધિ માટે આ સ્થાનની પસંદગી કરી હતી.’
૧૦૦૦ સંતો દ્વારા પ્રાર્થના
બુધવારે સવારે ૯.૩૦થી ૧૧ વાગ્યા સુધી ગુરુમંડપમ્ ખાતે બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થાના ૧૦૦૦ જેટલા સંતોએ પ્રમુખસ્વામી મહારાજ સમક્ષ પ્રાર્થના કરી હતી. ૧૧.૧૫ વાગ્યે તેઓને ગુરુમંડપમ્ ખાતેથી ભજન-ભક્તિ સાથે સંતો દ્વારા અંત્યેષ્ટિવિધિ માટે લઈ જવામાં આવ્યા હતા. આ પૂર્વે તેઓને અંતિમ વખત તેઓના નિવાસ ‘સર્વસ્વ’માં લઈ જવામાં આવ્યા હતા. અહીં વેદોક્ત અંત્યેષ્ટિવિધિના ભાગરૂપે પંચામૃત તથા પંચગવ્યથી સ્નાન કરાવવામાં આવ્યું હતું. અહીં પ્રારંભિક વિધિ સંપન્ન થયા બાદ તેઓને એક રથમાં બિરાજમાન કરાયા હતા. સંતોએ આ રથ ખેંચ્યો હતો. ભજનભક્તિપૂર્વક વહેતો રથ મંદિર પરિસરના વિવિધ માર્ગો પરથી પસાર થતો શાસ્ત્રીજી મહારાજના સ્મૃતિ મંદિરે આવી પહોંચ્યો હતો.
અભૂતપૂર્વ લાગણીસભર વિદાયમાન
કદાચ કોઇ સંતને ન મળ્યું હોય તેટલું લાગણીસભર વિદાયમાન પૂ. પ્રમુખસ્વામી મહારાજને મળ્યું. ૧૩થી ૧૭મી ઓગસ્ટના પાંચ દિવસના ગાળામાં બોટાદ તાલુકાનાં નાનકડા તીર્થધામ – સારંગપુરમાં જાણે શ્રદ્ધાનો સાગર ઊમટ્યો હતો. શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામીનારાયણ મંદિરમાં પોતાના આદરણીય સદ્ગુરુના અંતિમ દર્શનાર્થે વહી રહેલાં લોકપ્રવાહને જાણે આ પંથકના ગામોએ પણ પૂરો સાથ-સહકાર આપ્યો હોય તેમ સારંગપુર જતાં-આવતાં લોકોની અગવડ-સગવડ માર્ગમાં સચવાતી રહી હતી. કુદરતે પણ હરિભક્તોને જાણે સાથ આપ્યો હોય તેમ પાંચેય દિવસ દરમિયાન મેઘરાજાએ વિરામ પાળીને હરિભક્તોને પૂ. ‘બાપા’નાં દર્શન માટેની જાણે વધુ અનુકૂળતા કરી આપી હતી.


