ગાંધીનગરઃ બ્રહ્મલીન પ. પૂ. પ્રમુખસ્વામીએ સ્વામીનારાયણ સંપ્રદાય જ નહીં પરંતુ સમાજના તમામ વર્ગોના આદરણીય હતા એટલું જ નહીં, તેમનું નામ સાંભળીને રોમેરોમમાં ચેતન પ્રગટે, નિરાશામાં આશા જાગે, અંધકારમાં સૂર્યનો ઊજાસ ફેલાય તેવા વ્યક્તિત્વ અને સમાજની સમજ વધારનારા શાંતિના સાચા વિશ્વદૂત હતા, એમ વિધાનસભામાં શોકાંજલિ આપતાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું.
અક્ષરવાસી સ્વામીજીને નાયબ મુખ્ય પ્રધાન નીતીન પટેલ, વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા, પ્રધાનો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આત્મારામ પરમાર અને અધ્યક્ષ રમણભાઈ વોરા સહિતના ધારાસભ્યોએ પૂ. બાપા સાથેના સંસ્મરણો વાગોળીને વ્યસનમુક્તિ, સામાજિક સમરસતા અને વિશ્વશાંતિના યોગદાનને બિરદાવી શ્રદ્ધાંજલિ પાઠવી છે. બ્રહ્મલીન સ્વામીજીને ભાવાંજલિ અર્પણ કર્યા બાદ વિધાનસભાની બેઠક મુલતવી રાખવામાં આવી હતી.


