લંડન / સારંગપુર / અમદાવાદઃ સ્વામીનારાયણ સંપ્રદાયના વડા પૂ. પ્રમુખસ્વામી મહારાજના ૯૫મા જન્મોત્સવની ૧૯મી ડિસેમ્બરે સારંગપુરમાં ભવ્ય ઉજવણી થઈ હતી. મહોત્સવના પ્રારંભે પૂ. ઈશ્વરચરણ સ્વામીએ જણાવ્યું હતું કે, સ્વામીજીનો પંચવર્ષીય શતાબ્દી મહોત્સવ ઉજવાશે અને તેમનો આગામી જન્મદિન સુરત મુકામે ઉજવાશે. યુકે, યુરોપ અને કેનેડા સહિત વિવિધ દેશના મંદિરો અને સેન્ટર્સમાં પણ પૂ. પ્રમુખ સ્વામી મહારાજની જન્મજયંતિની શાનદાર ઉજવણી થઈ હતી.
પૂ. પ્રમુખ સ્વામી મહારાજની જન્મજયંતિની ઉજવણીમાં ભાગ લેવા યુકેથી ટ્રસ્ટીશ્રી જીતુભાઇ પટેલ, સંજયભાઇ કારા તેમજ અન્ય ૩૦૦ હરિભક્તો સત્સંગીઅો સારંગપુર ગયા હતા.
સમાજને ૯૫૦ સંતોની ભેટ આપનારા અને વિશ્વમાં ૧૨૦૦થી વધુ મંદિરોના નિર્માણકર્તા સ્વામીજીના જન્મદિને દેશવિદેશમાંથી આશરે બે લાખથી વધુ હરિભક્તોની ભીડ જામી હતી. આ કાર્યક્રમમાં પૂ. પ્રમુખસ્વામીએ દર્શન આપતાં જ હરિભક્તોએ તેમને તાળીઓથી વધાવી લીધા હતા. મહોત્સવના સમાપનમાં હરિભક્તોએ દીપ પ્રગટાવીને પ્રમુખસ્વામી મહારાજની આરતી ઉતારી હતી અને આતશબાજીથી આકાશ ઝગમગી ઊઠ્યું હતું.
આ પ્રસંગે પૂર્વ રાષ્ટ્રપતિ
ડો. એપીજે અબ્દુલ કલામે
પૂ. પ્રમુખ સ્વામી મહારાજના જીવન ઉપર લખેલા અંગ્રેજી પુસ્તક ‘ટ્રેન્સેન્ડન્સ’ના ગુજરાતી, હિન્દી, મરાઠી અને મલયાલમ અનુવાદિત પુસ્તકનું પણ વિમોચન કરાયું હતું.
સાધુ બ્રહ્મવિહારીદાસજીએ સ્વામીજી અને ડો. કલામની મુલાકાતને વાગોળતાં કહ્યું હતું કે, પૂર્વ રાષ્ટ્રપતિ ડો. કલામે એકવાર સાધુ થવાની ઇચ્છા સ્વામીજી સમક્ષ વ્યક્ત કરી હતી. તે સમયે સ્વામીશ્રીએ કહ્યું કે, તમે તો સાધુ જ છો. જૂના જમાનામાં લોકો લાંબા વાળ રાખતા, જ્ઞાન-વિજ્ઞાનથી પરિચિત હતા. તમે પણ છો. એના જવાબમાં ડો. કલામે કહ્યું હતું કે, જો પ્રમુખસ્વામીજી સર્ટિફિકેટ આપતા હોય તો તે સાક્ષાત્ ભગવાનનું જ સર્ટિફિકેટ જ છે કે હું સાધુ છું.
ઉલ્લેખનીય છે કે, વર્ષ-૨૦૦૭માં પ્રમુખસ્વામીશ્રીનો અમદાવાદ ખાતે આ રીતે જ ભવ્ય જન્મોત્સવ ઉજવાયો હતો ત્યારબાદ પુનઃ આ રીતે
પૂ. જન્મોત્સવ ઉજવાયો છે. આ પ્રંસગે ગુજરાત સરકાર વતી પ્રધાન સૌરભ પટેલ, કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ, વિજ્ઞાની ડો. અરુણ તિવારી, પદ્મશ્રી ડો. તેજસ પટેલ, અમેરિકામાં મલ્ટિનેશનલ કંપનીઓ સાથે સંકળાયેલા વ્યોમેશ જોશી, સાંસદ તરુણવિજય સહિત અગ્રણીઓ ઉપસ્થિત હતા.
પદ્મશ્રી ડો. તેજસ પટેલે જણાવ્યું હતું કે, મારી ૨૫ વર્ષની તબીબી કારકિર્દીમાં સૌપ્રથમવાર એવી વ્યક્તિ નિહાળી કે જેમણે ૯૧ વર્ષની વયે બે કલાકની સર્જરી કરાવી હોવા છતાં એક પણ ઉંહકારો ન કર્યો હોય. સાથે જ તેમને મળ્યા બાદ મેં શરીર અને આત્મા વચ્ચેનો તફાવત જાણ્યો. તેમની પાસેથી જે ૧૦ જન્મમાં ન શીખી શકું તે જાણી શક્યો છું.
ડો. તેજસ પટેલ ઉપરાંત સદ્ગુરુ સંતો મહંતસ્વામી, વિવેકસાગર સ્વામી, ઈશ્વરચરણ સ્વામી અને ડોકટર સ્વામીએ પણ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યાં હતા.
પ. પૂ. મહંત સ્વામી, પ. પૂ. ડોક્ટર સ્વામી, પ. પૂ. ઈશ્વરચરણ સ્વામી, પ. પૂ. વિવેકસાગર સ્વામી જેવા સંતોએ સ્વામીજીના જન્મદિને તેમની ઉદારતા અને સદ્ભાવનાના ગુણગાન કરતાં જણાવ્યું હતું કે, પ્રમુખસ્વામીજીએ માનવ ઉત્કર્ષ માટે ૧૭,૫૦૦ ગામડાંઓમાં વિચરણ કર્યું છે. ૨,૫૦,૦૦૦ ઘરોની મુલાકાત લીધી છે. ૭, ૫૦,૦૦૦ સ્વહસ્તે પત્રો લખ્યા છે.
પ્રમુખસ્વામી મહારાજે અનેક શાળાઓ, છાત્રાલયો તથા હોસ્પિટલોનું પણ નિર્માણ કર્યું છે. તેમની બાળ-યુવા પ્રવૃત્તિઓ તથા અન્ય કાર્યો બદલ ૩ વાર ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝમાં નોંધ લેવાઈ છે.
નીસડન મંદિર ખાતે યોજાયેલ ઉજવણી દરમિયાન કાર પાર્કિંગની સેવા આપતા જાણીતા બિઝનેસમેન અકુભાઇ અમીન, બેંકિંગ વ્યવસાય સાથે સંકળાયેલા અને સિક્યુરીટી વ્યવસ્થા સંભાળતા અલ્પેશભાઇ પટેલ અને બાળ મંડળના સદસ્ય
તિલક પટેલે પૂ. પ્રમુખ સ્વામી મહારાજ સાથેના પોતાના અનુભવો વર્ણવ્યા હતા.


