પ્રવીણભાઈ કોટક સુયોગ્ય જ્ઞાતિ અગ્રણીને મહાપરિષદનું પ્રમુખપદ સોંપેઃ લાખાણી

Wednesday 22nd January 2020 05:09 EST
 
 

અમદાવાદઃ ઠંડીના માહોલમાં લોહાણા સમાજનાં સોશિયલ મીડિયામાં ‘લોહાણા મહાપરિષદના પ્રમુખપદ’નાં મુદ્દાએ ગરમી લાવી છે. લોહાણા મહાપરિષદના પ્રમુખ પ્રવીણભાઈ કોટકની પુનઃ વરણીના સંદર્ભે લોહાણા મહાપરિષદના ગવર્નર, ટ્રસ્ટી, પૂર્વ પ્રમુખ અને સિનિયર એડવોકેટ યોગેશભાઈ શશીકાંતભાઈ લાખાણીએ નવ પાનાનો ખુલ્લો પત્ર સોશિયલ મીડિયામાં મૂક્યો હતો જેણે ખાસ્સી ચર્ચા જગાવી છે. પ્રવીણભાઈને સંબોધીને લખેલા આ પત્રમાં યોગેશભાઈ લાખાણીએ માગ કરી હતી કે, ચોથી જાન્યુઆરીએ અમદાવાદમાં ભાગવત અતિથિ ભવન, સોલામાં સમસ્ત રઘુવંશી-લોહાણા જ્ઞાતિના સભ્યોની માતૃસંસ્થા ‘લોહાણા પરિષદ’ની વરણી સમિતિ દ્વારા આપને આગામી પાંચ વર્ષ માટે પ્રમુખપદ નિમવામા આવ્યા છે. આ નિર્ણયની ફેરવિચારણા કરવામાં આવે.
વરણી સમિતિએ રાજકોટ, જામનગર અને બારાડી – એમ ત્રણ મોટા મહાજનોની અવગણના કરી હોવાના આક્ષેપ સાથે યોગેશભાઈએ પત્ર શા માટે જાહેર કર્યો તે સંદર્ભે જણાવ્યું કે, આપનું પ્રમુખપદ બીજી ટર્મ માટે ચાલુ રાખવાની ભલામણ કરતો વરણી સમિતિનો નિર્ણય યોગ્ય અને બંધારણીય જોગવાઈઓને અનુરૂપ છે કે કેમ? તેનો નિર્ણય મહાસમિતિએ લેવાનો રહે છે. વરણી સમિતિને પ્રમુખની વરણી કરવાની સત્તા જ નથી. મધ્યસ્થ મહાસમિતિની આગામી બેઠક જુલાઇના પ્રથમ અઠવાડિયા આસપાસ મળશે. જ્યારે આપનો ૨૦૧૫-૨૦૨૦નો પ્રમુખપદનો કાર્યકાળ પૂર્ણ થશે. (તા. ૩ જુલાઈ ૨૦૨૦ના રોજ) આ સમયે મળનારી મધ્યસ્થ મહાસમિતિની બેઠકમાં લેવાનાર નિર્ણય બાદ જ આગામી પાંચ વર્ષના કાર્યકાળ માટે પ્રમુખશ્રીની વરણી થઈ શકે. પત્રમાં લાખાણીએ સૂચવ્યું છે કે મધ્યસ્થ મહાસમિતિની જુલાઈ મહિનામાં મળનારી આગામી બેઠક પહેલાં સુયોગ્ય જ્ઞાતિ અગ્રણીને શોધી તેના નામની ભલામણ વરણી સમિતિના માધ્યમથી મધ્યસ્થ મહાસમિતિની મંજૂરી માટે મુકાવી ૨૦૨૦-૨૫ના વર્ષો માટે પ્રમુખ-પદનો કાર્યભાર આપ સોંપી આપની વ્યક્તિગત આભા અને ગરિમાને અકબંધ જાળવી રાખશો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter