ગાંધીનગર: સી. આર. પાટિલના ભાજપ અધ્યક્ષ બન્યા બાદ ભાજપમાં અને પક્ષ બહાર ચાલતી ચર્ચા પ્રમાણે સૌરાષ્ટ્રના પાટીદાર સમાજમાંથી ભીખુ દલસાણિયાને સારો લાભ થઈ શકે છે. ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે ટૂંક સમયમાં પણ તેમને સારો કારભાર સોંપાઈ શકે છે તેવી રાજકીય ચર્ચા છે.
અંબાજીથી શરૂ થયેલા પાટિલના ઉત્તર ગુજરાત પ્રવાસમાં પણ દલસાણિયા સતત તેમની સાથે હતા. આ ઉપરાંત પૂર્વ ધારાસભ્યો સાથેની બેઠકમાં પાટિલે તેમને સ્પષ્ટ કહ્યું કે, આવતી ચૂંટણીમાં ટિકિટ કોને આપવી કે ન આપવી તે ભીખુભાઇ નક્કી કરશે. ખરેખર તો આ મુદ્દો પ્રદેશ પ્રમુખ અને મુખ્ય પ્રધાન તથા અન્ય કોર કમિટીના સભ્યો સાથે મળીને નક્કી કરે અને એ પછી હાઇકમાન્ડને આ યાદી મોકલાય, પરંતુ પાટિલે આગામી વિધાનસભા ચૂંટણીના ઉમેદવારો નક્કી કરવાની જવાબદારી ભીખુભાઈની રહેશે કહીને મોટો ઇશારો આપ્યો છે.
દલસાણિયાએ તાજેતરમાં દિલ્હીમાં ભાજપના અગ્રણીઓની મુલાકાત લીધી હતી. ભીખુભાઈના દિલ્હી પ્રવાસ પહેલાં પાટિલ અને ભીખુભાઈ વચ્ચે આટલો ગાઢ સંબંધ નહોતો. સૌરાષ્ટ્રના હોવા છતાં પાટિલના સૌરાષ્ટ્ર પ્રવાસ વખતે ભીખુભાઈ ક્યાંય ખાસ દેખાયા પણ નહોતા. ભીખુભાઈ દિલ્હીથી આવ્યા પછી આ પરિવર્તન દેખાયું હોવાથી ભીખુભાઈનું વર્ચસ્વ ભવિષ્યમાં વધશે તેવું મનાય છે.
કોણ છે ભીખુભાઇ દલસાણિયા?
ભીખુભાઈ દલસાણિયા જામનગરના ધ્રોલના વતની છે અને વર્ષોથી આરએસએસના સંગઠન સાથે જોડાયેલા છે. તેઓએ વડા પ્રધાન મોદીની માફક જ પ્રચારકની જવાબદારી નિભાવી છે, લગ્ન કર્યાં નથી અને કોઇ પણ પ્રકારની ચૂંટણી લડવાના પણ અનુભવી નથી, પણ ભાજપ અને સંઘના લોકો માટે ભીખુભાઇ મોટું નામ છે. તેઓ સંઘ અને ભાજપ સંગઠન વચ્ચે કડીરૂપ ભૂમિકા વર્ષોથી
ભજવે છે.