રાજકોટઃ સેવાભાવી સંસ્થા પ્રોજેક્ટ ‘લાઈફ’ દ્વારા ચાલી રહેલા મહિલા સશક્તિકરણ કાર્યક્રમ અંતર્ગત સ્વરોજગારીની તાલીમ પામનારી ગરીબ અને વિધવા બહેનોને સાધન સહાય વિતરણનો કાર્યક્રમ અમદાવાદમાં ૧૦ જાન્યુઆરીના રોજ યોજાયો હતો. કાર્યક્રમમાં ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના પ્રકાશક-તંત્રી સી. બી. પટેલ તથા ન્યૂ જર્સીમાં વસતા પરીખ વર્લ્ડ વાઈડ મીડિયાના ચેરમેન -પબ્લિશર ડો. સુધીર પરીખના હસ્તે બહેનોને કિટ વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ‘જૈના’ (અમેરિકા)ના કન્વીનર ગુણવંતભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ૨૦૦ જેટલી તાલીમ પામેલી બહેનોને કિટ અપાઈ હતી.
આ પ્રસંગે પ્રોજેક્ટ ‘લાઈફ’ના ટ્રસ્ટી કિરીટભાઈ વસાએ મહિલા સશક્તિકરણ પ્રોજેક્ટને પ્રોત્સાહન આપવાનું જણાવતાં આ પ્રોજેક્ટની સંપૂર્ણ વિગત આપી હતી તથા પ્રોજેક્ટ ‘લાઈફ’ના ચીફ ડેવલપમેન્ટ ઓફિસર ઋષિકેશ પંડ્યાએ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન કરતાં કાર્યક્રમની રૂપરેખા આપી હતી. પ્રોજેક્ટ ‘લાઈફ’ના જોઈન્ટ ડાયરેક્ટર અને ટ્રસ્ટી શ્રીમતી મીત્તલ કોટિચા-શાહે ૩૮ વર્ષ દરમિયાન પ્રોજેક્ટ ‘લાઈફ’ દ્વારા સામાજિક તથા માનવ-કલ્યાણલક્ષી પ્રવૃત્તિઓનું સુપેરે સંચાલન થયું તે વિશે માહિતી આપતાં કહ્યું કે, સંસ્થાએ વિવિધ ક્ષેત્ર જેવા કે આરોગ્ય, શિક્ષણ, પર્યાવરણ, મહિલા સશક્તિકરણમાં હરણફાળ ભરી છે. તે ઉપરાંત તેઓએ પ્રોજેક્ટ ‘લાઈફ’ના પ્રોગ્રામ વિઝન ૨૦૨૦ વિશે પણ માહિતી આપી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત બહેનોને પ્રેરક સંબોધન કરતા સી. બી. પટેલે કહ્યું હતું કે, વિધવા અને ગરીબી રેખા હેઠળ જીવતી મહિલાઓને પગભર બનાવવા માટે પ્રોજેક્ટ ‘લાઈફ’ દ્વારા જે નિરંતર પ્રયાસ ચાલી રહ્યો છે તે પ્રશંસાને પાત્ર છે. જો જીવનમાં ભણતર, ગણતર અને ચણતરને મહત્ત્વ આપવામાં આવે તો ચોક્કસપણે સફળ થઈ શકાય. આ ત્રણેય બાબત જીવનનાં અલગ અલગ તબક્કામાં પ્રાપ્ત થાય. સી. બી. પટેલે એવું પણ કહ્યું કે, લોકોએ કોઈપણ કામ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા રાખવી જોઈએ. તેમણે સંસ્થા સાથે પોતાનો જૂનો નાતો હોવાનું જણાવતાં કેટલાંક યાદગાર સંસ્મરણો પણ વાગોળ્યા હતા.
આ પ્રસંગે ડો. સુધીર પરીખે કહ્યું કે, જીવનમાં પ્રગતિ માટે સપનાં જોવા જરૂરી છે અને ધ્યેય નક્કી કરવો જરૂરી છે. લોકો જો પોતાના કામ પ્રત્યે પ્રામાણિક રહે અને પોતાનામાં છુપાયેલી શક્તિનો પૂરેપૂરો ઉપયોગ કરે તો તે ઘણું પ્રાપ્ત કરી શકશે. બહેનોએ પોતાનામાં રહેલી શક્તિનો ઉપયોગ કરીને સમાજના વિકાસમાં ફાળો આપવો જોઈએ. પ્રોજેક્ટ ‘લાઈફ’ સંસ્થા બહેનોને વિકાસની ઘણી તક આપે છે તો બહેનોએ આ તક ઝડપી લેવી જોઈએ. પ્રોજેક્ટ ‘લાઈફ’ વિશે તેમણે કહ્યું કે, આ સંસ્થા વિવિધ ક્ષેત્રે ઘણી સેવાકીય પ્રવૃત્તિ કરે છે અને બહેનોને સ્વરોજગારની સારી તક આપે છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પણ કહેતા કે ભૂખ્યા લોકોને રોટલો ન આપો પરંતુ કામ કરવાની તક આપો. મને આનંદ છે કે પ્રોજેક્ટ ‘લાઈફ’ આ જ દિશામાં કાર્ય કરે છે. તેમણે સમયની કિંમત કરવાનું કહેતાં જણાવ્યું કે, લોકો કહે છે કે અમારી પાસે ટાઈમ નથી, પરંતુ હું કહીશ કે લોકો પોતાના કામની પ્રાથમિક્તા નક્કી કરે તો તેને ક્યારેય સમયનો અભાવ નહીં નડે.


