અમદાવાદ-લંડન પ્લેન ક્રેશ દુર્ઘટના પીડિત પરિવારોના દિલ પર એવો કારમો ઘા કરી ગઇ છે કે વર્ષોસુધી તેના ઘા રુઝાય તેવી શક્યતા નથી. જોકે કેટલાક એવા પણ છે, જે મન મક્કમ કરીને આ આઘાતમાંથી બહાર આવી રહ્યા છે. એક યુવકે તેની પત્નીની યાદમાં ટ્રસ્ટ બનાવવાનું નક્કી કર્યું છે તો પ્લેન ક્રેશમાં માતાપિતા ગુમાવનાર એક પુત્રે હવે તેનું પાઇલટ બનવાનું સપનું છોડી દીધું છે.
પત્નીની સ્મૃતિમાં જનસેવા
અમદાવાદથી લંડન પ્લેન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા કમનસીબ લોકોમાં 24 વર્ષીય સુરપ્રીતનો પણ સમાવેશ થાય છે. દુર્ઘટનાને એક મહિનો પૂરો થયો છે, પણ કારમો ઘા રુઝાયો નથી. આ સંજોગોમાં તેમના પતિ મિતેન કૌરે પત્નીની યાદમાં લંડનમાં આવતા રેફ્યુજી અને ગરીબોને મદદ કરવા ટ્રસ્ટ બનાવવાનું નક્કી કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે, ઈશ્વરની મરજી હતી તે થયું, તેને કોઈ બદલી શકે નહિ, પરંતુ મૃતક સ્વજનની પાછળની જિંદગી આપણે જરૂર બદલી શકીએ છીએ. પત્નીની યાદમાં તેમણે ટ્રસ્ટ બનાવવાનું નક્કી કર્યું છે. તેમણે લંડનમાં વસતાં ભારતીયોને તમામ પ્રકારની મદદ કરવા ટ્રસ્ટ બનાવવાની કામગીરી શરૂ કરી છે. બે વર્ષ પહેલાં તેમનાં લગ્ન થયાં હતાં. લગ્ન બાદ સુરપ્રીત તેમના પતિ પાસે લંડન રહેવા ગયાં હતાં. કોઈ કારણોસર તેમના પરિવારને મળવા તેઓ ભારત આવ્યાં હતાં અને ફરીથી લંડન પતિ પાસે જઈ રહ્યાં હતાં ત્યારે આ દુર્ઘટના બની હતી.
રાજીખુશીનો માહોલ પળભરમાં પીંખાયો
પ્લેન ક્રેશમાં એક જ પરિવારના ચાર સભ્ય મૃત્યુ પામ્યા છે, જેમાં ઈનાયતઅલી, તેમનાં પત્ની નફીશાબાનુ, લકી અલી અને દીકરી તસ્કીનનો સમાવેશ થાય છે. આ ઘટનાથી સૈયદ પરિવાર પર આભ તૂટી પડયું છે. આ ઘટનાને મહિનો થઇ ગયો છે, પણ આ સદમાથી સમગ્ર પરિવાર બહાર આવ્યો નથી. ઇનાયતઅલીના નાના ભાઈનાં પત્ની કહે છે કે, હર્ષોલ્લાસથી ઇદ મનાવીને પરત લંડન જઈ રહ્યા હતા, પણ સમગ્ર પરિવારને અલવિદા કહીને આ ફાની દુનિયા છોડીને જતાં રહ્યાં.
પ્લેન ક્રેશમાં માતાપિતા ગુમાવ્યા, પુત્રે સપનું છોડ્યું
પ્લેન ક્રેશની ગોઝારી ઘટનાને એક મહિનાનો સમય વીતી ગયો છે. અનેક પરિવારોનો માળો આ દુર્ઘટનામાં વિંખાઇ ગયો છે. દુર્ઘટનામાં ગાંધીનગરમાં રહેતા 44 વર્ષીય ગૌરવ બ્રહ્મભટ્ટ અને તેમનાં પત્ની કલ્યાણી બ્રહ્મભટ્ટ પણ મૃત્યુ પામ્યાં છે. તેમનાં બે સંતાનને દાદા-દાદી અને મામા-મામી સંભાળી રહ્યાં છે. ગૌરવ બ્રહ્મભટ્ટનો દીકરો હાલ ધોરણ 12માં જ્યારે દીકરી ધોરણ 8માં અભ્યાસ કરે છે. તેમનાં માતાપિતાનું દીકરાને પાઇલટ બનવાનું સપનું હતું. તે માટે તે કાયમ પિતા સાથે માર્ગદર્શન લેતો હતો, પરંતુ કાળની ગતિ કોઈ જાણી શકતું નથી. પ્લેન ક્રેશમાં જ તેનાં માતાપિતાનું અવસાન થતા દીકરાને હવે પાઇલટ બનવા સામે અણગમો થયો છે. તેનું મન પાઇલટ બનવા માટે તૈયાર નથી. જ્યારે તેની નાની બહેન હજુ પણ માતાપિતાની રાહ જોઈ રહી છે. તેને સંભાળતો તેનો ભાઈ અચાનક મોટો થઈ ગયો છે. તેનાં માતા કલ્યાણી ગિફટ સિટીમાં આવેલી વિદેશી યુનિવર્સિટીમાં સારી પોસ્ટ પર નોકરી કરતાં હતાં.